અરુણાચલ બોર્ડર પર તણાવ: ચીની સેનાએ ભારતીય જવાનોનું પેટ્રોલિંગ રોક્યું

અરુણાચલ પ્રદેશની પીપલ્સ પાર્ટી (પીપીએ)ની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી (એફએફસી)એ રિપોર્ટ આપ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ ભારતીય લશ્કરને સુબનસિરી જિલ્લાના તાક્સિંગ વિસ્તારમાં પેટ્રોલિંગના મહત્ત્વના પોઇન્ટ સુધી જતા રોકી દીધા છે. જ્યારે ચીનના સૈનિક વાસ્તવિક અંકુશ રેખા પાસે પરંપરાગત ભારતીય ચરામણ એરિયા અને શિકારના વિસ્તારોમાં ધીમે-ધીમે પોતાનો કબ્જો વધારી રહ્યા છે. પૂર્વ મંત્રી અને પીપીએના મુખ્ય સલાહકાર કાહફા બેંગિયાની આગેવાની હેઠળ ચાર સભ્યોની સમિતિએ ૧૦મી જુલાઈના રોજ ટાક્સિંગનો પ્રવાસ ખેડયો હતો.
પીપીએના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શેરા-૫ જેવા મુખ્ય પોઇન્ટ પર ૨૦૨૩માં અથડામણ પછી ભારતીય દળ પાછા હટયા છે અને ચીનના લશ્કરે પારંપરિક રસ્તાઓ પર કબ્જો જમાવ્યો છે. સ્થાનિક નાહ અને મારા સમુદાયના શિકાર તેમજ ઢોર ચરાવવાના પરંપરાગત વિસ્તારો પર ચીનના લશ્કરે નિયંત્રણ મેળવ્યું છે.
ભારતે આ દાવાને ફગાવી દીધો છે અને તેને ફક્ત અફવા અને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે.
આ સિવાય ભારતીય લશ્કે પણ આ રિપોર્ટનું ખંડન કર્યુ છે. તેમા સૂત્રોએ જણાવ્યું છે કે સ્પષ્ટ સીમાંકન ન હોવાના લીધે ઘણી વખત બંને દેશોની પેટ્રોલિંગ ટીમો સામસામે આવી જાય છે. પછી આ વાતને વર્તમાન પદ્ધતિ અને નિયમો હેઠળ ઉકેલવામાં આવે છે. લશ્કરના ટોચના સૂત્રોએ આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દેતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતે પોતાની કોઈ જમીન ગુમાવી નથી. સરહદ પર આવેલી બધી ભારતીય ચોકીઓ સંપૂર્ણપણે ભારતના અંકુશમાં છે. ચીને પણ જણાવ્યું છે કે ભારત-ચીન સરહદે સંપૂર્ણ શાંતિ છે. તેમણે ચીન દ્વારા અરુણાચલ સરહદે લશ્કરી પ્રવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો તેના અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગેના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે બંને દેશની સરહદ હાલની તારીખે શાંત છે. બંને પક્ષ સરહદને લગતી કોઈપણ પ્રકારનો વિવાદ રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા ઉકેલવા સંમત થયા છે. ગયા સપ્તાહે જ બંને દેશોની ૩૬મી બોર્ડર મીટિંગ મળી હતી.
ભારતે મંગળવારે જણાવ્યું હતું કે ચીન સાથેની સરહદી બાબતો અત્યંત ગંભીર છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક અંકુશરેખા પર શાંતિ રાખવી અત્યંત જરુરી છે. અરુણાચલ પ્રદેશમાં અપર સુબનસિરી વિસ્તારમાં ચીનના આક્રમક વલણને લઈને ભારતે આ ટિપ્પણી કરી હતી. ભારતે તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશના ૨૭ સ્થળોના નામ ભૌગોલિક રીતે ઓળખવાનો નિર્ણય લઈને ચીનના વલણનો જવાબ આપ્યો હતો. તેની સાથે સ્પષ્ટ જણાવી દીધું હતું કે ચીને તે સ્વીકારી લેવું પડશે કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે અને આ બદલી ન શકાય તેવી વાસ્તવિકતા છે.
ભારતીય લશ્કરે ઐતિહાસિક તથ્યોનો હવાલો આપતા જણાવ્યું હતું કે અરુણાચલની સરહદના કેટલાક ક્ષેત્ર લાંબા સમયથી વિવાદિત છે. ચીને ૧૯૫૯માં આસામ રાઇફલ્સની ચોકી પર હુમલો કરીને લોંગજૂ કબ્જે કર્યુ હતુ, જે ત્યારથી ચીનના તાબામાં છે. ૧૯૬૨ના યુદ્ધ દરમિયાન ચીનના સેના કામેંગ, સુબનગિરી, સિયાંગ અને લોહિતમાં ઘણે અંદર સુધી આવી ગઈ હતી, પરંતુ યુદ્ધવિરામ પછી પીએલએ વાસ્તવિક અંકુશરેખા (એલએસી)ની પેલે પાર જતી રહી હતી. ચીન ૧૯૬૦ની સરહદી મંત્રણાના સમયથી જ અરુણાચલ પ્રદેશને દક્ષિણ ચીનનો હિસ્સો ગણાવતો રહ્યું છે. જ્યારે ભારત તેને હંમેશા ફગાવતુ રહ્યુ છે. અરુણાચલના સીએમ પેમા ખાંડુએ પણ ચીને ભારતના કોઈ ક્ષેત્રમાં અતિક્રમણ કર્યુ હોવાના દાવાને ફગાવી દીધો છે. ભારતીય લશ્કર સાવધાનીથી સરહદની સુરક્ષા કરી રહ્યુ છે. આશ્ચર્યની વાત એ છે કે આગામી મહિને ચીનના પ્રમુખ જિનપિંગ બ્રિક્સમાં ભાગ લેવા ભારત આવે તેવી સંભાવના છે ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

