VIDEO: ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા બેન સુપર ફ્લોપ: VPNના સહારે બાળકો બેરોકટોક કરી રહ્યા છે ઉપયોગ
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે દુનિયાનો સૌથી સખત સોશિયલ મીડિયા બેન લાગુ કરવામાં આવ્યો હતો. સરકારનો હેતુ બાળકોને ઓનલાઈન બુલિંગ અને હાનિકારક અલ્ગોરિધમથી બચાવવાનો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાના જેન આલ્ફા (Gen Alpha) બાળકોએ આ કડક નિયમોને ફગાવી દીધા છે અને તેઓ કાયદાની પરવા કર્યા વગર ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી રહ્યા છે. 25 ઓગસ્ટના રોજ પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર કંપની 'ક્યુસ્ટોડિયો'ના રિપોર્ટમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી છે.
શરૂઆતમાં વપરાશ ઘટ્યો, પરંતુ હવે ફરી વધવા લાગ્યો
ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર મહિનાથી સોશિયલ મીડિયા પર બેન મૂકવામાં આવ્યા બાદ શરૂઆતમાં બાળકોનો તેનો વપરાશ ઓછો થયો હતો. જોકે, નવા આંકડા દર્શાવે છે કે 10થી 15 વર્ષની વયજૂથના બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ફરીથી બેન પહેલાં જેટલો જ વધી ગયો છે. 13થી 15 વર્ષના આશરે 25.9% બાળકો આજે પણ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યા છે, જે પ્રતિબંધ મૂકાયા પહેલાના પ્રમાણ કરતાં માંડ 1% જેટલો ઓછો છે. જ્યારે 10થી 12 વર્ષના બાળકોના કિસ્સામાં તો આ ઘટાડો માત્ર 0.06% જેટલો નજીવો જ નોંધાયો છે.
VPN અને ઉંમર છુપાવીને કાયદાનો ઉલ્લંઘન
સાયબર સેફ્ટી નિષ્ણાતોનું માનવું છે કે, આ સોશિયલ મીડિયા એપ્સ વાપરવા માટે બાળકો VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરી રહ્યા છે અથવા પ્રોફાઇલમાં પોતાની ખોટી ઉંમર દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત, કાયદાકીય પ્રતિબંધમાંથી બહાર રખાયેલી મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ પણ બાળકોમાં વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન રિસર્ચર્સની ટીમે પણ પોતાના રિસર્ચમાં સ્પષ્ટ કર્યું છે કે સરકારના આ બેનને લીધે બાળકો સોશિયલ મીડિયાથી વાસ્તવમાં દૂર થયા હોય તેવા કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.

