મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મક્કા હજ દરમિયાન 1100થી વધુ લોકોના મોત મામલે સાઉદી સરકારનું નિવેદન, બતાવ્યું સાચું કારણ 

હજ દરમિયાન ભીષણ ગરમીથી થયેલા મોત બાદ સાઉદી સરકાર ઉપર વિશ્વભરમાંથી સવાલ ઉઠાવવામા

મક્કા હજ દરમિયાન 1100થી વધુ લોકોના મોત મામલે સાઉદી સરકારનું નિવેદન, બતાવ્યું સાચું કારણ 

હજ દરમિયાન ભીષણ ગરમીથી થયેલા મોત બાદ સાઉદી સરકાર ઉપર વિશ્વભરમાંથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંગે સાઉદી અરબના એક વરિષ્ઠ અધિકારી હજયાત્રા પ્રબંધનના બચાવમાં સામે આવ્યા અને સાઉદી સરકારનો બચાવ કર્યો. આ વર્ષે હજ દરમિયાન લગભગ 1100 લોકોના મોત થયા છે. મોટાભાગના લોકોના મોતનું કારણ અસહ્ય ગરમી બતાવાયું હતું. એ પછીથી સતત સાઉદી સરકારના પ્રબંધન પર સવાલો ઊભા થઈ રહ્યા છે. 
 
સાઉદી અધિકારીએ કહ્યું કે, સાઉદી સરકાર હજ વ્યવસ્થામાં નિષ્ફળ નથી રહી, પરંતુ લોકો દ્વારા ખોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમણે જોખમોની ચેતવણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. સાઉદી અધિકારીએ કહ્યું કે, સરકારે હજના બે સૌથી વ્યસ્ત દિવસોમાં 577 લોકોના મોતની પુષ્ટિ કરી છે. શનિવારના રોજ અરાફાત પર્વતની લ્હાય જેવી ગરમીમાં શ્રદ્ધાળુઓ કલાકો સુધી પ્રાર્થના કરવા અને રવિવારે મીનામાં 'શેતાનને પથ્થર મારવાની' વિધિમાં ભાગ લીધો એ દરમિયાન થયા હતા.  

ખરાબ હવામાન કારણ બન્યું

સાઉદી અધિકારીએ કહ્યું કે, આ વખતે મોત થવા પાછળ ખરાબ હવામાન જવાબદાર છે. તેમણે સ્વીકાર્યું કે 577નો આંકડો હજુ આંશિક છે સમગ્ર હજ દરમિયાન હજુ આ આંક વધી શકે છે. આ વર્ષે 18 લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે, જેમાંથી 2 લાખ સાઉદી અરેબિયાના છે અને બાકીના વિદેશથી આવ્યા છે.
  
હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને દરેક સમૃદ્ધ મુસ્લિમે તેના જીવનમાં એકવાર તે કરવાની હોય છે. સાઉદી અધિકારીએ પરમિટ વિના હજ માટે આવતા હજયાત્રીઓ માટે નબળી વ્યવસ્થાઓને પણ જવાબદાર ગણાવી છે, જેઓ મોંઘી હજથી બચવા માટે પરમિટ વિના હજ કરવા આવ્યા હતા.

પરવાનગી વિના હજ યાત્રા

દરેક દેશને ક્વોટા સિસ્ટમ હેઠળ હજ પરમિટ આપવામાં આવે છે અને પછી લોટરી દ્વારા તે દેશના નાગરિકોમાં વહેંચવામાં આવે છે. આ પરમિટ મેળવનારાઓએ ભારે ફી ચૂકવવી પડે છે, જેના કારણે ઘણા હજ યાત્રીઓ ટૂરિસ્ટ વિઝા પર હજ કરવા માટે સાઉદી અરેબિયા આવે છે. આવી રીતે હજ કરવા આવનારા ઉપર ધરપકડ અને દેશનિકાલનું જોખમ રહે છે. 2019 માં, સાઉદી સરકારે ટૂરિસ્ટ વિઝા સરળ અને સસ્તા બનાવ્યા બાદ આવું થવા લાગ્યું છે. લોકો હજ પરમિટ વિના હજ કરીને હજારો પૈસા બચાવવાનો પ્રયાસ કરે છે.
 
સાઉદી અધિકારીએ કહ્યું કે હજ પહેલા લગભગ ત્રણ લાખ પરમિટ વિનાના લોકોની ઓળખ કરી હતી. પરંતુ ઉપરથી આદેશ આવ્યો કે પવિત્ર સ્થાન પર આવેલા લોકોને પાછા ન વાળવામાં આવે. એક અંદાજ મુજબ આ વર્ષે લગભગ 4 લાખ લોકોએ પરવાનગી વિના હજ યાત્રામાં ભાગ લીધો હતો.  

આ સમાચાર શેર કરો