Video: ખાંડના ભાવમાં તેજી, ૨૫થી ૩૫ લાખ ટન આયાતની શક્યતા

સોર્સ: gstv

ખાંડના ઉત્પાદન અને વપરાશ વચ્ચેનો તફાવત વધવાની આશંકા વચ્ચે દેશમાં ખાંડના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનામાં છૂટક અને જથ્થાબંધ ખાંડના ભાવમાં આશરે છ ટકાનો વધારો નોંધાયો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે અને શેરડીના ઉત્પાદન, બફર સ્ટોક, વપરાશ અને આયાતની જરૂરિયાત અંગે આકારણી કરી રહી છે.

કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ખાંડના પુરવઠાની સમીક્ષા કરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પુરવઠો સરળતાથી જાળવી રાખવા માટે ૨૫ થી ૩૫ લાખ ટન ખાંડ આયાત કરવાની જરૂર પડી શકે છે. ચાલુ સત્રમાં ખાંડના ભાવ ઉત્પાદન, સરકારની આયાત નીતિ અને બજારમાં સ્ટોકની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. સમીક્ષા બેઠકમાં જથ્થાબંધ સ્ટોક મર્યાદા અને રિફાઈન્ડ ખાંડની આયાત અંગે પણ ચર્ચા થઈ છે, જેના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.

જાહેરાત

ક્રેડિટ રેટિંગ એજન્સીના મતે ૨૦૨૬-૨૭માં દેશનું ચોખ્ખું ખાંડ ઉત્પાદન ૨૮૦ થી ૨૯૦ લાખ ટન રહી શકે છે. જ્યારે ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનનો અંદાજ માત્ર ૨૬૫ લાખ ટનનો છે, જેની સામે ઘરેલુ વપરાશ માટે ૨૮૩ લાખ ટનની જરૂર પડશે. અગાઉના સત્રમાં ૨૭૬ લાખ ટન ઉત્પાદન થયું હતું અને ૩૦ લાખ ટન ખાંડ ઇથેનોલ માટે વપરાઈ હતી. આ વખતે ઇથેનોલ માટે ડાયવર્ઝન પર પ્રતિબંધ હોવા છતાં વપરાશ સામે ઉત્પાદન પૂરતું નથી.

સૌથી મોટી ચિંતા સત્રના અંતે બચતા સ્ટોકની છે, જે ૨૦૨૬-૨૭ના અંત સુધીમાં ૩૫ થી ૪૫ લાખ ટન રહી શકે છે. મહારાષ્ટ્રમાં એક મહિનામાં ખાંડના સરેરાશ ભાવમાં ૭.૩ ટકા વધારો થયો છે. તહેવારોની માંગ, ઉત્તર પ્રદેશમાં પિલાણની ધીમી શરૂઆત અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં શેરડીના પાક પર અસર થવાની આશંકાએ ભાવ વધારાને વેગ આપ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત