લોસ એન્જલસમાં તોફાનીઓએ એપ્પલના સ્ટોરમાં ચલાવી લૂંટ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામે હિંસક વિરોધપ્રદર્શનો થઈ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના નિર્ણય સામે હિંસક વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે તોફાનીઓએ એપ્પલના સ્ટોરમાં લૂંટફાટ કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના લોસ એન્જલસમાં ચાલી રહેલા પ્રચંડ વિરોધ પ્રદર્શન દરમ્યાન એપ્પલ સ્ટોર અને જોર્ડન ફ્લેગશીપ સહિત બધા સ્ટોરમાં તોફાનીઓએ લૂંટ ચલાવી છે. આ ઘટના રવિવારે રાત્રે બની હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જે સમયે તોફાનીઓ એપ્પલ સ્ટોરમાં લૂંટ મચાવી રહ્યા હતા, ત્યારે તે જ સમયે ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી ગઈ અને અમુક લૂંટારુઓ એપ્પલ સ્ટોરની અંદર જ ફસાઈ ગયા હતા.
એફપીજેના અહેવાલ મુજબ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં સ્થિત એપ્પલ સ્ટોરમાં તોફાનીઓ રવિવારની રાત્રે ઘૂસી ગયા હતા. વાયરલ વિડીયોમાં કાળા કલરની હૂડી અને માસ્ક પહેરેલ તોફાનીઓ એપ્પલ સ્ટોરમાં પ્રવેશ્યા હતા. જેમાં એક વ્યક્તિ એપ્પલ સ્ટોરમાંથી એક ડબ્બો ઉઠાવ્યા પછી સ્ટોરમાં તોડફોડ કરતો નજરે પડે છે. વાયરલ વિડીયોમાં પોલીસના સાયરન અને ગોળીઓની અવાજ પણ સંભળાય છે.






