ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, ભારત-ચીન સહિતના દેશો પર 2 એપ્રિલથી ભારે ટેરિફ લાગુ થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય દેશો વિરૂદ્ધ મોટું પગલુ ભરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આગામી 2 એપ્રિલથી રેસિપ્રોકલ એટલે કે જવાબી ટેરિફ લગાવવા જઇ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે જે પણ ટેરિફ તે અમેરિકા પર લગાવશે એટલો જ ટેરિફ અમે તેમના પર લગાવીશું.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકન કોંગ્રેસને સંબોધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશોએ દાયકાઓથી અમારી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે. હવે અમારો વારો છે કે અમે તે દેશો સામે ટેરિફનો ઉપયોગ શરૂ કરીએ.યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અન્ય દેશો અમારી પાસેથી ઘણા ઊંચા ટેરિફ વસૂલ કરે છે. તે અમે વસૂલીએ છીએ તેના કરતા ઘણા વધારે છે. તે ખૂબ જ અન્યાયી છે. ભારત અમારી પાસેથી 100% ટેરિફ વસૂલ કરે છે. આ સિસ્ટમ અમેરિકા માટે યોગ્ય નથી. 2 એપ્રિલથી, પારસ્પરિક (રેસિપ્રોકલ) ટેરિફ અમલમાં આવશે અને અન્ય દેશો અમારા પર ગમે તે ટેરિફ લાદે છે, અમે તેમના પર લાદીશું.જો તેઓ અમને તેમના બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય ટેરિફ લાદે છે, તો અમે તેમને અમારા બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય અવરોધો લાદીશું."
ભારતને લઇને ટ્રમ્પે શું કહ્યું?
કોંગ્રેસને સંબોધન કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદતા દેશોમાં ભારતનું નામ લીધું હતું. ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અમારી (અમેરિકા) પાસેથી 100% ટેરિફ વસૂલ કરે છે. આ વ્યવસ્થા અમેરિકા માટે વાજબી નથી.
ટેરિફ અમેરિકાને ફરીથી મહાન અને સમૃદ્ધ બનાવશે: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે ટૂંક સમયમાં જવાબી ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ અને મહાન બનાવવા માટે છે. ટ્રમ્પે કહ્યું કે આ ટૂંક સમયમાં થશે. આનાથી થોડી ખલેલ થશે પણ અમને કોઈ સમસ્યા નથી. તે વધારે પડતું નહીં હોય.
કોઈ પોલીસ અધિકારીની હત્યા કરી તો મૃત્યુદંડ કરીશું : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સંસદને સંબોધતા કહ્યું કે જલદી જ અમે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાના છીએ જેના પછી પોલીસ અધિકારીની કોઈ હત્યા કરી દેશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે.
ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે મોટું નિવેદન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિશે કહ્યું કે અમારે અમેરિકાને તેમનાથી મુક્તિ અપાવવી છે. અમારા દેશના અમુક ભાગો પર આ લોકોએ કબજો જમાવી લીધો છે. અમે તેમને દેશમાંથી શોધી શોધીને તગેડી મૂકીશું.
અમેરિકન સુપ્રીમ કોર્ટના કર્યા વખાણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમે માનીએ છીએ કે તમે ડોક્ટર, એકાઉન્ટન્ટ, વકીલ અથવા એર ટ્રાફિક કંટ્રોલર હોવ, તમારી નિમણૂક જાતિ કે લિંગના આધારે નહીં પરંતુ કુશળતા અને ક્ષમતાઓના આધારે થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એક બોલ્ડ અને ખૂબ જ શક્તિશાળી નિર્ણયમાં અમને તે કરવાની મંજૂરી આપી છે."
ગ્રીન કાર્ડ કરતાં ગોલ્ડ કાર્ડ સારો : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં કહ્યું કે અમારા દ્વારા ગોલ્ડ કાર્ડની સ્કીમ લાવવામાં આવી છે. અમે 5 મિલિયન ગોલ્ડ કાર્ડ ઈશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તેનાથી અમેરિકાને મોટો ફાયદો થશે અને મહેનતું લોકો આખી દુનિયામાંથી અમેરિકા તરફ આકર્ષાશે. તેમના માટે અમેરિકાની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ જશે. આ એક રીતે ગ્રીન કાર્ડ છે પણ તેમાં વધારે સુવિધાઓ રહેશે.








