Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : President Muijju cancels meeting with Sergio Gor

માલદીવ અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ, પ્રમુખ મુઈજ્જુએ સર્જિયો ગોર સાથેની મુલાકાત રદ કરી

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
માલદીવ અમેરિકા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ, પ્રમુખ મુઈજ્જુએ સર્જિયો ગોર સાથેની મુલાકાત રદ કરી
સોર્સ : GSTV

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ હવે સપાટી પર આવી ગઈ છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોર માલે પહોંચ્યા હોવા છતાં પ્રમુખ મુઈજ્જુએ છેલ્લી ઘડીએ તેમની સાથેની મુલાકાત રદ કરી દીધી હતી. પરિણામે, અમેરિકન રાજદૂતે પ્રમખને મળ્યા વગર જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. જોકે હવે ટ્રમ્પ આ ઘટનાથી ગુસ્સે થાય તો કોઈ નવાઈ નહીં. 

App Store

મુલાકાત રદ થવા પાછળના મુખ્ય કારણો

સત્તાવાર રીતે માલદીવે તેને પ્રમુખની વ્યસ્તતા ગણાવી છે, પરંતુ આ ઘટના પાછળ અનેક વ્યૂહાત્મક કારણો હોવાનું મનાય છે. પ્રમુખ મુઈજ્જુએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી અંગે તેઓ સહમત નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "વર્તમાન યુદ્ધના મુદ્દે માલદીવ પાસે અમેરિકા સાથે ચર્ચા કરવા માટે કંઈ જ નથી."

સૈન્ય ઉપયોગ પર પ્રતિબંધ

મુઈજ્જુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માલદીવની ધરતીનો ઉપયોગ કોઈ પણ યુદ્ધ અથવા સૈન્ય ગતિવિધિઓ માટે થવા દેવામાં આવશે નહીં. જ્યારે અમેરિકન પક્ષે ફરી મુલાકાતનો આગ્રહ રાખ્યો, ત્યારે માલદીવે માત્ર "ખાનગી અને બંધબારણે" મુલાકાતનો વિકલ્પ આપ્યો હતો, જેને સર્જિયો ગોરે ફગાવી દીધો હતો. આ રાજદ્વારી વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે મુઈજ્જુ સરકાર પોતે અનેક પડકારોનો સામનો કરી રહી છે

નબળી પડતી પકડ

'ઇન્ડિયા આઉટ' અભિયાન દ્વારા સત્તામાં આવેલા મુઈજ્જુને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટો ફટકો પડ્યો છે. વિપક્ષી પાર્ટી(MDP)એ મોટા શહેરોમાં જીત મેળવી છે. માલદીવ અત્યારે આર્થિક સંકટમાં છે. એક તરફ ચીન તરફી ઝુકાવ છે, તો બીજી તરફ ભારત પાસેથી 400 મિલિયન ડૉલરની લોન લંબાવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. ભારત સાથે મદદની અપેક્ષા વચ્ચે, મુઈજ્જુ સરકારે એક મોટો પોર્ટ પ્રોજેક્ટ ચીની કંપનીને સોંપી દીધો છે, જે માલદીવની બદલાતી રણનીતિનો સંકેત આપે છે.

સોશિયલ મીડિયા પર વિરોધ

અમેરિકન રાજદૂતની મુલાકાત પહેલા માલદીવમાં સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ હિંસક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ફેસબુક પર એક યુઝરે તેમને પથ્થર મારવા સુધીની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી હતી. જોકે, સ્થાનિક પોલીસે આ અંગે કોઈ સત્તાવાર તપાસની પુષ્ટિ કરી નથી. અમેરિકી રાજદૂતને મળ્યા વગર પરત મોકલવા એ મુઈજ્જુ સરકારનો એક મોટો કૂટનીતિક જુગાર માનવામાં આવે છે. ઈરાન યુદ્ધ અને ચીન સાથેની નિકટતા વચ્ચે માલદીવ હવે વૈશ્વિક મંચ પર પોતાનો અલગ પક્ષ રાખવાની કોશિશ કરી રહ્યું છે.