‘પેટ્રોલ-ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડો, નહિતર સરકાર કરશે કડક કાર્યવાહી’ ; ટ્રમ્પની પેટ્રોલ પંપ સંચાલકોને ખુલ્લી ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના પેટ્રોલ પંપ સંચાલકો અને મોટી તેલ કંપનીઓ સામે લાલ આંખ કરી છે. ટ્રમ્પે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે કડક આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો જનતાને વહેલી તકે સસ્તું ઈંધણ પૂરું પાડવામાં નહીં આવે, તો સરકાર તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાથી જરાય અચકાશે નહીં.
'ટ્રુથ સોશિયલ' પર કર્યા આકરા પ્રહારો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને તેલ કંપનીઓની નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે, "પેટ્રોલ પંપ સંચાલકો સામાન્ય ગ્રાહકો પાસેથી જરૂરિયાત કરતાં વધુ કિંમત વસૂલી રહ્યા છે, જે સાંખી લેવામાં નહીં આવે. વૈશ્વિક બજારમાં જ્યારે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે, તો તેનો સીધો લાભ સામાન્ય જનતાને કેમ નથી મળી રહ્યો?"
"કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી સસ્તું કાચું તેલ ખરીદી રહી છે, પરંતુ ગ્રાહકો પાસેથી હજુ પણ ઊંચા ભાવ વસૂલીને માત્ર પોતાનો નફો વધારી રહી છે." – ડોનાલ્ડ ટ્રમ્પ (રાષ્ટ્રપતિ, અમેરિકા)

ન્યાય વિભાગને આપ્યા તપાસના આદેશ
આ મોંઘવારી પાછળ તેલ કંપનીઓની મોટી મિલીભગત હોવાની આશંકા વચ્ચે, ટ્રમ્પે અમેરિકી ન્યાય વિભાગને આ મામલે ઊંડી તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. સરકાર હવે એ તપાસ કરશે કે કંપનીઓ જાણીજોઈને બજારમાં કૃત્રિમ મોંઘવારી ઊભી કરી રહી છે કે કેમ.
યુદ્ધના તણાવ બાદ કિંમતો ઘટી છતાં ભાવ કેમ યથાવત?
નોંધનીય છે કે, તાજેતરમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને દરિયાઈ સુરક્ષાના સંકટને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. જો કે, હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા કાચા તેલની કિંમતો નીચે આવી ગઈ છે. આમ છતાં, અમેરિકામાં પેટ્રોલ-ડીઝલ હજુ પણ મોંઘા ભાવે જ વેચાઈ રહ્યું છે, જેને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આરપારની લડાઈના મૂડમાં આવીને ગ્રાહકોના પક્ષમાં મોટો નિર્ણય લેવાની તૈયારી બતાવી છે.

