Pakistan news: પાકિસ્તાનમાં ભારે વરસાદે વિનાશ વેર્યો, મકાનની છત ધરાશાયી, 3 લોકોનાં મોત

Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી, અસ્થિર રાજકીય સ્થિરતા અને ભારે વરસાદે વિનાશ સર્જયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના લક્કી મરવત જિલ્લામાં ભારે વરસાદ બાદ એક મકાનની છત ધરાશાયી થઈ હતી. જેમાં એક સગીર સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, સરાય નૌરંગ તાલુકામાં આ ઘટના બુધવારે રાત્રે બની હતી. જે સમયે મૂશળધાર વરસાદ અગાઉ જર્જરિત મકાનની છત ઢળી પડી હતી. બચાવ કર્મીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિકોએ રાહત અભિયાનમાં મદદ કરી હતી.
ખૈબર પખ્તુનખ્વામાં ભારે વરસાદ
મળતી માહિતી અનુસાર, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ઘણો વધુ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારમાં હિમનદી તળાવો ફાટવાની શક્યતાને કારણે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે.
કરાચીમાં ઈમારત ધરાશાયી
તમને જણાવી દઈએ કે, જુલાઈની શરૂઆતમાં, પાકિસ્તાનના કરાચીમાં એક બહુમાળી રહેણાક ઈમારત ધરાશાયી થઈ હતી, આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા અને આઠ લોકો ઘાયલ થયા હતા. 1974માં બનેલી આ પાંચ માળની ઇમારત કરાચીના જૂના વિસ્તારોમાં જર્જરિત ઇમારતોની યાદીમાં હતી.
સરકારી તંત્રએ ચેતવણી આપી હતી
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ આ વિસ્તારની અન્ય જર્જરિત ઇમારતો માટે પણ ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ શનિવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં હિમનદી પૂરની ચેતવણી આપી હતી અને આ અઠવાડિયે આ વિસ્તારમાં વધુ વરસાદની આગાહી કરી હતી. જ્યારે પર્વતો પર થીજી ગયેલા બરફથી બનેલું તળાવ તૂટી જાય છે અને ઘણું પાણી નીચે વહેવા લાગે છે, ત્યારે તેને હિમનદી પૂર કહેવામાં આવે છે.

