PoKમાં પાકિસ્તાની સેનાનું દમન; પ્રદર્શનકારીઓ પર કર્યું અંધાધૂંધ ફાયરિંગ, જાણો મોતનો આંકડો

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાન સરકાર અને સૈન્યના અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનનો 27મો દિવસ ભારે તોફાની રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના આહવાન પર મહિલાઓ, બાળકો અને વડીલો સહિત લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. PoKના રાવલાકોટ, મુઝફ્ફરાબાદ, કોટલી અને હથિયાબાલા સહિતના અનેક શહેરોમાં સંપૂર્ણ હડતાળ અને બજારો બંધ રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનથી આઝાદીના નારા લગાવ્યા હતા અને હિન્દુસ્તાન તરફ પાછા આવવાનો ઈશારો કરીને ભારત પાસે અનાજ માંગ્યું હતું.
જનતા પર પાક સેનાનું અંધાધૂંધ ફાયરિંગ
પાકિસ્તાની સેના અને રેન્જર્સે પ્રદર્શનને કચડી નાખવા માટે દદિયાલ અને મુઝફ્ફરાબાદના નીલમ પુલ પર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. આ સિવાય, રાવલાકોટના ઇદગાહ મેદાન પર જ્યાં 80,000 પ્રદર્શનકારીઓ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યાં શનિવારે સવારે પણ સેનાએ ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, PoKમાં 5 જૂનથી ઈન્ટરનેટ બંધ કરીને શરૂ કરાયેલી ગોળીબારની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 58 લોકોના મોત થઈ ચૂક્યા છે.
આઝાદી અને ઇન્કલાબના નારાથી ગુંજ્યું PoK
દમન છતાં લોકો પાક સેના સામે ઝૂકવા તૈયાર નથી. કોટલી વિસ્તારમાં લોકોએ ‘છે હક અમારો આઝાદી, અમે લઈને રહીશું આઝાદી’ જેવા નારા લગાવ્યા હતા. રાવલાકોટમાં હજારો મહિલાઓએ ‘શાસકો જોઈ લો અમે તમારું મોત છીએ’ ના નારા સાથે સરકારને પડકાર ફેંક્યો હતો. તો વળી, શાળાની રજાના દિવસે બાળકોએ પણ રેલી કાઢીને ‘ગલીઓમાંથી બજારોમાંથી ઇન્કલાબ આવશે’ ના નારા લગાવ્યા હતા.
નેતાઓની મુક્તિ અને ઇન્ટરનેટ શરૂ કરવાની માંગ
પ્રદર્શનકારીઓએ જેલમાં બંધ કરાયેલા નેતાઓની તાત્કાલિક મુક્તિ, રેન્જર્સની વાપસી અને ઇન્ટરનેટ સેવાઓ બહાલ કરવાની માંગ કરી છે. ઇન્ટરનેટ બંધ હોવાના કારણે ઓનલાઇન શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફ્રીલાન્સર્સ ભારે પરેશાન છે. આ તરફ JAACના સભ્ય ઉમર નઝીર કાશ્મીરીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કહ્યું છે કે, ‘સુરક્ષા દળો તમને ભડકાવવાનો પ્રયાસ કરશે, પરંતુ તમે શાંત રહો.’
વિદેશોમાં પણ પાકિસ્તાનનો વિરોધ થશે
અવામી એક્શન કમિટીએ વિદેશમાં વસતા કાશ્મીરીઓ પાસે પણ સમર્થન માંગ્યું છે. આ અંતર્ગત લંડનમાં પાકિસ્તાની દૂતાવાસની બહાર મોટો માર્ચ કાઢીને પ્રદર્શન કરવામાં આવશે, જેમાં પશ્તૂન તહફ્ફુજ મુવમેન્ટ (PTM) પણ જોડાશે.

