POK માં પાકિસ્તાની સેનાનો આંદોલનકારીઓ પર ગોળીબાર: દમન વધતા સ્થાનિક નેતાઓએ ભારત પાસે માગી મદદ
ઇસ્લામાબાદ: પીઓકેમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને દબાવવા મ

ઇસ્લામાબાદ: પીઓકેમાં પાકિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને દબાવવા માટે હવે પાક. સરકાર બળજબરી કરી રહી છે. એવામાં ગુસ્સે ભરાયેલા પીઓકેના નાગરિકોએ તેમજ સ્થાનિક નેતાઓએ ભારત પાસે મદદ માગી છે. પીઓકેમાં પાંચ જુલાઇના રોજ બહુ જ મોટી સંખ્યામાં લોકો પાક. સરકાર સામે આંદોલન માટે રસ્તા પર ઉતર્યા હતા. પીઓકેના નેતાઓએ એક વીડિયો જાહેર કરીને તેમના પર થઇ રહેલા અત્યાચારો વર્ણવ્યા હતા. બીજી બાજુ લોકોને વિખેરવા પાક. સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
આ આંદોલનકારીઓના નેતા સરદાર અમન ખાને એક વીડિયો જાહેર કરીને ભારત પાસે મદદ માગી છે. તેમણે કહ્યું હતું કે આ વીડિયોના માધ્યમથી હું કાશ્મીર ઘાટીના ખાસ કરીને શ્રીનગરના લોકોને જણાવવા માગું છું કે પીઓકેના નાગરિકો પર દમનને એક મહિનો થઇ ગયો છે. લોકોને ખાવા પીવાની વસ્તુઓ મળવી મુશ્કેલ કરી નાખ્યું છે. એવામાં પાંચ જુલાઇના અમારા આ વિરોધ પ્રદર્શનમાં ભારત અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરના લોકો મદદ માટે આગળ આવે તેવી અપીલ કરીએ છીએ. પીઓકેમાં છેલ્લા એક મહિનાથી લોકો પાક. સરકાર, સૈન્ય અને પોલીસ સામે આંદોલન કરી રહ્યા છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરના શોપિંયામાં સતત બીજા દિવસે રવિવારે પણ આતંકવાદીઓ વિરુદ્ધનું ઓપરેશન શરૂ રહ્યું હતું, સુરક્ષાદળોએ શનિવારથી જ લશ્કર-એ-તોયબાના બે ખુંખાર આતંકવાદીઓને ઘેરી રાખ્યા હતા. આ બન્ને આતંકવાદીઓ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. રવિવારે પણ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત રહ્યું હતું. હાલ સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને સમગ્ર વિસ્તારની ચારેય તરફથી કિલ્લેબંધી કરી લીધી છે. અગાઉ શનિવારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે જ્યારે રવિવારે અધિકારીઓએ એવી સ્પષ્ટતા કરી છે કે આતંકીઓ વિરુદ્ધનું ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.
કાશ્મીર હડપવા પીઓકેમાં ચીન જ આંદોલનો કરાવે છે!
શ્રીનગર: છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેમાં પાકિસ્તાનથી મૂક્ત થવા માટે ભારે આંદોલનો ચાલી રહ્યા છે. આપણા દેશમાં પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માગ પણ ઉઠતી રહી છે, એવામાં ચીન એવુ ઇચ્છે છે કે પીઓકે ભારતમાં ભળી જાય અને એવા કાશ્મીરની રચના થાય છે જ્યાં મુસ્લિમ વસતી બમણી થઇ જાય. બાદમાં ચીન આ સમગ્ર કાશ્મીર વિસ્તાર પર કબજો કરવા પ્રયાસો કરશે તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
ચીનના ઇશારે પાકિસ્તાન ઇરાદાપૂર્વક જ પીઓકેના નાગરિકો પર અત્યાચારો વધારી રહ્યું છે કે જેથી તેઓ સ્વતંત્રતા માટે આંદોલન પર ઉતરી આવે. અને છેલ્લા કેટલાક વર્ષોથી એવુ જ થઇ રહ્યું છે. પાકિસ્તાન લાંબાગાળાના પ્લાન પર કામ કરી રહ્યું છે અને ઇચ્છે છે કે પીઓકે ખરેખર કાશ્મીરમાં ભળી જાય. હાલના કાશ્મીર અને પીઓકેને ભેળવી દેવાથી બાદમાં તેના પર કબજો કરવો ચીન માટે સરળ થઇ શકે છે કેમ કે પછી સમગ્ર કાશ્મીરમાં મુસ્લિમ બહુમત હશે અને સંખ્યા હાલ કરતા બમણી થઇ જશે.






