અમેરિકા - ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધમાં ઝંપલાવ્યું સૌથી મોટી ભૂલ, યુદ્ધ મુદ્દે ઓમાનના વિદેશ મંત્રીનું નિવેદન

ઓમાનના વિદેશમંત્રી બદ્ર અલ-બુસૈદીએ અમેરિકા-ઇઝરાયલ બંને પર નિશાન સાધ્યું છે. તેમના મતે ઈરાન સાથે યુદ્ધમાં ઝંપલાવવું એ અમેરિકાની સૌથી મોટી ભૂલ છે, આ બાબત તમામ ખાડી દેશો પર મોટી આફત લાવશે. ઓમાનના વિદેશ મંત્રીએ એક લેખમાં જણાવ્યું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરાર મુદ્દે સમજૂતિ થવાની હતી, અને બંને રાષ્ટ્રો તેની જાહેરાત કરવાની અણી પર હતા.
વિદેશમંત્રી બદ્ર અલ-બુસૈદીએ લખ્યું હતું કે, આવા સમયે જ્યારે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો તે ફક્ત આશ્ચર્યજનક જ નહીં પરંતુ એક મોટા આંચકા સમાન હતું. ઓમાનના વિદેશમંત્રીના જણાવ્યા મુજબ, ઈરાને પહેલેથી જ કહ્યું હતું કે, તે પોતાની યુરેનિયમ સંવર્ધનને મર્યાદિત કરવાની તૈયારી દર્શાવી હતી. બદલામાં ચોક્કસ છૂટછાટો મેળવવાની અપેક્ષા રાખી હતી. જો કે એ પહેલા જ લશ્કરી કાર્યવાહી શરૂ થઈ ગઈ.
વિદેશ મંત્રીના મતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઇઝરાયલ દ્વારા આ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અમેરિકી વહીવટીતંત્રે તેના ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ કરી છે. આ અમેરિકાનું યુદ્ધ નથી, અને તેનાથી કોઈ સકારાત્મક પરિણામ મળવાની શક્યતા નથી.
ઓમાનના વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં રાજદ્વારી વાતચીત ફરી શરૂ થવી જોઈએ. તેમણે એ પણ નોંધ્યું હતું કે ઇઝરાયલ જે ઉદ્દેશ્યો સાથે આ સંઘર્ષમાં ઉતર્યું તેને પ્રાપ્ત કરવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. એવામાં અમેરિકાની ભાગીદારી આ યુદ્ધમાં વધતી જશે. અમેરિકા અને ઈઝરાયલ બંનેએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, અને યુ.એસ. લશ્કરી કાર્યવાહી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એવા અહેવાલોને રદિયો આપ્યો છે કે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ફક્ત ઇઝરાયલ દ્વારા દબાણને કારણે આ સંઘર્ષમાં પ્રવેશ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરે છે, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના નીતિગત વિચારણાઓના આધારે નિર્ણયો લે છે.

