CEC જ્ઞાનેશ કુમારના 14 નિર્ણયો રદ કરવા સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, સીઈસી ભાજપના એજન્ટ હતા, છે અને રહેશે - કોંગ્રેસ

દેશમાં ચૂંટણીઓ જીતવા માટે મતદાર વ્યવસ્થા પર કબજો કરવા સામે જનતાનો અવાજ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. જનતા કોઈપણ સ્વરૂપે 'વોટ ચોરી' સાંખી નહીં લે તેમ જણાવતા કોંગ્રેસે શુક્રવારે ગાંધી જયંતિ દિને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં આંદોલન થઈને જ રહેશે તેમ ભારપૂર્વક કહ્યું હતું. જ્ઞાનેશ કુમારને ઘેરવાની વિપક્ષની તૈયારી વચ્ચે સુપ્રીમ કોર્ટમાં પણ તેમના વિરુદ્ધ એક પછી એક અરજીઓ થઈ રહી છે. જ્ઞાનેશ કુમારે ૧૦ મહિનામાં આપેલા ૧૪ આદેશોના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી થઈ છે.
આજે ઈન્ડિયા ગઠબંધનનું આંદોલન
દેશભરમાં 'સર'ના વિવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ તેમની સામે એક પછી એક અરજીઓ થઈ રહી છે, જેમાં હવે ત્રીજી એક અરજી થઈ છે. નવી અરજીમાં જ્ઞાનેશ કુમારે ૧૦ મહિનામાં સીઈસી તરીકે લીધેલા ૧૪ આદેશોને પડકારવામાં આવ્યા છે.સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં ચૂંટણી પંચની સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની શક્તિઓના દાયરા અને મર્યાદાઓ પર નિર્દેશ અને સ્પષ્ટીકરણની માગ કરતા જ્ઞાનેશ કુમારના ૧૪ આદેશોને રદ કરવાની માગ કરાઈ છે. તેમના પર અનિવાર્ય પ્રક્રિયાનો ભંગ કરવાનો પણ આરોપ મૂકાયો છે. સુપ્રીમમાં દાખલ ત્રીજી અરજીમાં સામૂહિક નિર્ણય લેવાની અનિવાર્ય પ્રક્રિયાનો ભંગ કરીને જાહેર કરાયેલા તમામ નિર્ણયો, આદેશો, નોટિફિકેશન્સ અને કાર્યકારી નિર્દેશોને રદ કરવાની માગણી કરાઈ છે.
દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, જ્ઞાનેશ કુમાર ભાજપના એજન્ટ હતા, છે અને રહેશે. કોંગ્રેસને બેલેટ પેપરથી મતદાનનો અધિકાર નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે. કોંગ્રેસે ગુરુવારે જણાવ્યું હતું કે, મતદાર સિસ્ટમ પર 'કબજા' વિરુદ્ધનો અવાજ વધી રહ્યો છે અને જનતા વોટ ચોરી સાંખી નહીં લે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમશે કહ્યું, ઈન્ડિયા ગઠબંધન બંધારણ અને લોકતંત્રનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. ભારતના ચૂંટણી પંચે 'સોનાના માપદંડો'નો ઉપયોગ કર્યો છે, પરંતુ તેણે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત મુજબ સીઈસી જ્ઞાનેશ કુમારના ગેરકાયદે નિર્ણયોને રોકવા માટે અન્ય બે ચૂંટણી કમિશનરોએ આગળ આવવું જોઈએ.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કહ્યું, જેન-ઝી મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જુલાઈ ૨૦૨૬ની મધ્યમાં ગેરબંધારણીય રીતે જ્ઞાનેશ કુમારે ફોર્મ-૬માં ફેરફાર કર્યા હતા. આ પગલું વડાપ્રધાન અને ગૃહમંત્રીના નિર્દેશોથી લેવાયું હતું તે હવે સ્પષ્ટ થઈ જાય છે. આ ફોર્મ-૬ને હવે ચૂંટણી પંચે એસઆઈઆરની પ્રક્રિયામાંથી રદ કરવું પડયું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના વિરોધમાં સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું કે, સરકાર તેમને ત્રણ મહિના જેલમાં નાંખી દે તો પણ તેઓ જ્ઞાનેશ કુમારના વિરોધમાં દેખાવો કરવાનું ચાલુ રાખશે. કોકરોચ જનતા પાર્ટીએ બે ઓક્ટોબરે મુંબઈમાં દેખાવોની જાહેરાત કરી છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે દેખાવો કરનારાને ત્રણ દિવસ સુધી જામીન નહીં મળે.

