મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશની નવી સરકારે રાજદૂતો સામે શરુ કરી કાર્યવાહી, પરત ફરવાનો આપ્યો આદેશ

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ વિવિધ દેશોમાં નિયુક્ત રાજદૂતોને બદલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગ

બાંગ્લાદેશની નવી સરકારે રાજદૂતો સામે શરુ કરી કાર્યવાહી, પરત ફરવાનો આપ્યો આદેશ

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ વિવિધ દેશોમાં નિયુક્ત રાજદૂતોને બદલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઓછામાં ઓછા 6 દેશોમાં નિયુક્ત રાજદૂતોને પરત ફરવાનો આદેશ આપ્યો છે. શેખ હસીનાની સરકારમાં આ રાજદૂતોની નિમણૂક કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, જાપાન, જર્મની, યુએઈ અને માલદીવમાં કોન્ટ્રાક્ટના આધારે નિયુક્ત રાજદૂતોને પાછા બોલાવવામાં આવ્યા છે.

વોશિંગ્ટનમાં મોહમ્મદ ઈમરાન, મોસ્કોમાં કમરૂલ હસન, રિયાધમાં જાવેદ પટવારી, ટોક્યોમાં શહાબુદ્દીન અહેમદ, બર્લિનમાં મુશર્રફ હુસૈન ભુયા, અબુ ધાબીમાં અબુ ઝફર અને માલેમાં રીઅર એડમિરલ એસએમ અબુલ કલામ આઝાદની નિમણૂંક કરવામાં આવી હતી. આ તમામને વચગાળાની સરકારે પરત ફરવાનો આદેશ આપ્યો છે. 5 જાન્યુઆરી 2020 ના રોજ મોસ્કોમાં રાજદૂત કમરૂલ અહસાનની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે ડૉ. મોહમ્મદ જાવેદ પટવારીની નિમણૂક ઓગસ્ટ 2020માં સાઉદી અરેબિયામાં થઈ હતી.

મુશર્રફ હુસૈનને 2 ઓક્ટોબર 2020ના રોજ જર્મનીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ચેક રિપબ્લિક, કોસોવો અને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય દ્વારા આ તમામને નોટિસ મોકલવામાં આવી છે. આ સિવાય વોશિંગ્ટનમાં નિયુક્ત ફર્સ્ટ સેક્રેટરી વહીદુઝમાન નૂર અને કાઉન્સેલર આરિફા રહેમાન રુમાને પણ પાછા બોલાવવામાં આવ્યા છે.

ઓટાવામાં, કાઉન્સેલ અપર્ણા રાની પાલ અને કાઉન્સેલ મોબાશ્વીરા ફરઝાન મિથિલાને પણ પરત ફરવા માટે નોટિસ આપવામાં આવી છે.  બાંગ્લાદેશમાં નવી વચગાળાની સરકારે શપથ લીધા હતા. તે પહેલા શેખ હસીનાએ હિંસક આંદોલનને કારણે રાજીનામું આપી દીધું હતું અને ભારત આવી ગયા હતા. હાલમાં શેખ હસીના ભારતમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર કામ કરી રહી છે.

આ સમાચાર શેર કરો