હોર્મુઝમાં જે ઓઈલ ટેન્કર પર 5 ભારતીયો સવાર હતા એના પર મિસાઈલ હુમલો, ઓમાનની મદદથી બચાવાયા

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર દરિયાઈ સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા કુવૈતી ક્રૂડ ઓઈલ ટેન્કર MT કાઝીમા-3 પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ટેન્કરને નુકસાન થયું હતું. જોકે, જહાજમાં સવાર પાંચેય ભારતીય નાગરિકોને ભારતીય મિશન અને ઓમાનના સંયુક્ત પ્રયાસોથી સુરક્ષિત રીતે બહાર કાઢીને કિનારે લાવવામાં આવ્યા હતા.
MT કાઝીમા-3 પર મિસાઈલ હુમલો
અહેવાલો અનુસાર, કુવૈતના ધ્વજવાળું MT કાઝીમા-3 ક્રૂડ ઓઈલ લઈને ટોગોના લોમે બંદર તરફ જઈ રહ્યું હતું. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેન્કરને મિસાઈલ વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાના કારણે જહાજને નુકસાન પહોંચ્યું હતું. જોકે, તેના પર સવાર તમામ પાંચ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે ઓમાનનો આભાર માન્યો
મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. દૂતાવાસે જણાવ્યું કે હુમલાનો ભોગ બનેલા ટેન્કર પર સવાર પાંચેય ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢીને શનિવારે કિનારે લાવવામાં આવ્યા હતા. ભારતીય મિશને બચાવ કામગીરીમાં સહયોગ આપવા બદલ ઓમાનના તંત્રનો આભાર માન્યો હતો.
પર્શિયન ગલ્ફમાં હજારો ભારતીય ખલાસીઓ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરની મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે પર્શિયન ગલ્ફ વિસ્તારમાં કાર્યરત વ્યાપારી જહાજોમાં 4,500થી વધુ ભારતીય ખલાસીઓ સેવા આપી રહ્યા છે. આ પૈકી 12 સક્રિય કાર્ગો જહાજોમાં 163 ભારતીય ખલાસીઓ તહેનાત છે. આ 12 જહાજોમાં છ ભારતીય ધ્વજવાળા અને છ વિદેશી ધ્વજવાળા જહાજો છે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને દરિયાઈ માર્ગો પર સુરક્ષા જોખમ વચ્ચે ભારત સરકાર ભારતીય નાગરિકો અને ખલાસીઓની સુરક્ષા પર સતત નજર રાખી રહી છે.

