VIDEO: માણસ, ઘર, વાહન, રસ્તા બધુ જ તણાયું, નેપાળમાં જળપ્રલયથી હાહાકાર, 24 કલાકમાં કેટલી થઈ તબાહી?
નેપાળમાં (Nepal) બુધવારે અચાનક આવેલી ભીષણ પૂર (Flash Flood) અને લેન્ડસ્લાઇડ (Landslide)એ ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં અનેક ગામો પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે ઘરો, રસ્તાઓ અને પુલોને મોટા પાયે નુકસાન થયું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોનાં મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ લાપતા છે.
તિબેટ બોર્ડર (Tibet Border) નજીક આવેલા રસુવા વિસ્તારમાં ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવતાં સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. હવાઈ તસવીરોમાં નદી આસપાસના વિસ્તારોમાં ઘરો, રસ્તાઓ અને પુલો પાણીના પ્રવાહમાં તૂટી ગયેલા જોવા મળ્યા છે. બચાવ અને રાહત કામગીરી (Rescue & Relief Operation) હજુ પણ સતત ચાલી રહી છે.
આ આપદાની અસર વિદેશી પ્રવાસીઓ (Foreign Tourists) પર પણ પડી છે. નેપાળ ટૂરિસ્ટ બોર્ડના જણાવ્યા અનુસાર ભારતના 100થી વધુ, અમેરિકાના 54, ઓસ્ટ્રેલિયાના 34 અને ઈંગ્લેન્ડના 33 નાગરિકો સહિત અનેક વિદેશીઓ લાપતા છે. ભારતના કુલ 133 નાગરિકો લાપતા હોવાની માહિતી પણ સામે આવી છે.
ચીનના તિબેટ વિસ્તારમાં પણ પૂર અને કાદવના પ્રવાહથી નુકસાન થયું છે. સરકારી અહેવાલો મુજબ ત્યાં ત્રણ લોકોનાં મોત અને 265 લોકો લાપતા થયા છે.
નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે (Prime Minister Balendra Shah) આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આખો દેશ “આઘાતમાં અને ખૂબ દુઃખી” છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
નેપાળ સેનાના આઠ ટ્રકો મારફતે અંદાજે 8 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં મચ્છરદાની, ધાબળા, સોલાર લાઇટ, સોલાર પેનલ અને સ્લીપિંગ બેગનો સમાવેશ થાય છે. ભારત સહિત અમેરિકા, ચીન અને યુરોપિયન યુનિયન (European Union)એ પણ મદદની ઓફર કરી છે.
વિશેષજ્ઞો હવે આ આપદાના કારણોની તપાસ કરી રહ્યા છે. ભૂકંપ જેવી ઉર્જા અનુભવાઈ હોવા છતાં US Geological Survey અનુસાર તેની પાછળ લેન્ડસ્લાઇડ જવાબદાર હોઈ શકે છે. જોકે, ક્લાઈમેટ ચેન્જ (Climate Change) અને ગ્લેશિયર ઓગળવાની પ્રક્રિયાની આ ઘટનામાં કેટલી ભૂમિકા છે તે અંગે હાલમાં ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું છે.

