VIDEO: ANDARNI VAAT / ઘર, મકાન અને દુકાનો જમીનદોસ્ત, પૂરના પાણી પાછા હટતાં જ સામે આવ્યું બરબાદીનું ચિત્ર!
આસામના ધેમાજી જિલ્લામાં આવેલા વિનાશક પૂરના પાણી ઓસર્યા બાદ હવે અરુણ ચાપોરી વિસ્તારમાં પૂરના લીધે સર્જાયેલી ભયાનક તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરના પાણી ભલે ધીમે-ધીમે પાછા હટી રહ્યા હોય, પરંતુ તે પોતાના પાછળ કાદવ-કીચડ, કાટમાળ અને બરબાદીનું સામ્રાજ્ય છોડી ગયા છે. આ પૂરના કારણે પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક પરિવારોના ઘર-મકાનો અને ગરીબોની ઝૂંપડીઓ પૂરના પ્રચંડ પ્રવાહમાં ધરાશાયી થઈ ગઈ છે અથવા તો રહેવા લાયક રહી નથી. સ્થાનિક બજારોમાં દુકાનોમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓનો હજારો રૂપિયાનો માલસામાન સડી ગયો છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂર પ્રભાવિત અરુણ ચાપોરીના રહીશો હાલ પોતાના ઘર અને આસપાસના પરિસરની સફાઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ફરીથી જીવનની નવી શરૂઆત કરી શકે.
આ કુદરતી આફતની સૌથી માઠી અને ગંભીર અસર સ્થાનિક ખેડૂતો પર પડી છે, કારણ કે સેંકડો હેક્ટર જમીનમાં આવેલા ખેતરો પૂરના પાણીમાં લાંબો સમય ડૂબેલા રહ્યા હતા. ખેડૂતોનો તૈયાર થયેલો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને ખેતરોમાં રેતી તેમજ કાદવ જમા થઈ જતાં જમીન પણ બિનઉપજાઉ બની ગઈ છે. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં ખેડૂતો અને તેમના પરિવારો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે અસહાય બનેલા ખેડૂતો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ વહેલી તકે વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની ગુહાર લગાવી છે. પીડિતોની માંગ છે કે નુકસાન પામેલા મકાનોના પુનનિર્માણ અને પાકના વળતર માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરીને યોગ્ય આર્થિક મદદ પૂરી પાડવામાં આવે. પ્રશાસન દ્વારા જો ઝડપી પગલાં ભરવામાં નહીં આવે, તો આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાનો અને ભૂખમરાની સ્થિતિ સર્જાવાનો ભય પણ સેવાઈ રહ્યો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

