જાણો, Trumpને ભારતની આ વાતથી પણ છે નારાજગી!

અમેરિકાના પ્રમુખ Donald Trumpએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે. જે 27મી ઓગસ્ટ સુધીમાં ભારત પર લાગુ કરવામાં આવશે, જેની પાછળનું કારણ ભારત દ્વારા રશિયાનું ઓઈલ ખરીદવું હોવાનું કહેવાય છે. જોકે, ભારત પર ટેરિફ લાદવાનું એક જ કારણ નથી, પરંતુ તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે.
ભારત સામે કડક વલણ અપનાવતા Donald Trumpએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાની ટીમ વેપાર વાટાઘાટો (India-US Trade Talk) માટે ભારત આવવાની છે. ત્યારે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભારત દબાણમાં આવીને અમેરિકાની શરતો સ્વીકારે.
Trump ભારત પાસેથી શું ઇચ્છે છે?
અમેરિકાના પ્રમુખ Donald Trump ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ ઉત્પાદનો અને ડેરી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે, જેથી આ અમેરિકાના ઉત્પાદનો ભારત જેવા મોટા બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ, ભારત આ ક્ષેત્રોને વધુ પ્રાથમિકતા આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે,'જો ભારત આ ક્ષેત્ર અમેરિકા માટે ખોલશે, તો ખેડૂતોની આવક પર અસર પડશે, જેથી ભારત સમાધાન કરવા માંગશે નહીં.'
અમેરિકા કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટેરિફમાં 100% ઘટાડો કરવાની માંગ કરી રહ્યું છે. આ ઉપરાંત, અમેરિકા એ પણ ઇચ્છે છે કે ભારત રશિયાનું ઓઈલ આયાત ઘટાડે અને અમેરિકાથી વધુ ઓઈલ આયાત કરે. જ્યારે ભારત અમેરિકા કરતા રશિયા પાસેથી સસ્તું તેલ મેળવી રહ્યું છે.
Trump ડોલર વિશે કેમ ચિંતિત છે?
અમેરિકન ડૉલર એ આખી દુનિયામાં વપરાતી કરન્સી છે. છેલ્લા આઠ દાયકાથી, એટલે કે વર્ષ 1944થી બધા દેશો વેપાર માટે US ડૉલરનો ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ડૉલર રિઝર્વ રાખે છે. અહેવાલો અનુસાર, લગભગ 90% વિદેશી વ્યવહારો ડોલરમાં થાય છે. પરંતુ BRICS દેશોએ તેના પર નિર્ભરતા ઘટાડવા માટે પગલાં લીધાં છે, જેનાથી TRUMP નારાજ છે.
Donald Trump બ્રિક્સ દેશોથી પણ ડરે છે કારણ કે, આ સંગઠનના દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં 35% યોગદાન આપે છે. આવી સ્થિતિમાં જો આ દેશો US અને ડૉલરનો વિરોધ કરે છે, તો અમેરિકા એક મહાસત્તા તરીકેનું પોતાનું સ્થાન ગુમાવી શકે છે. આ ઉપરાંત ડૉલરને વિશ્વ ચલણમાંથી દૂર કરી શકાય છે.

