VIDEO / 15 પત્નીઓ અને 30 બાળકો સાથે અબુ ધાબી પહોંચ્યા કિંગ, જોતા રહી ગયા શેખ; જાણો કોણ છે આ રાજા

આફ્રિકન દેશ એસ્વાટિનીના રાજા મસ્વાતી તૃતીય ફરી એકવાર સમાચારમાં છે. તેઓ ઘણીવાર તેમની શાહી જીવનશૈલી માટે હેડલાઈન્સમાં રહે છે, પરંતુ આ વખતે તેમની 15 પત્નીઓ અને 30 બાળકોને લઈને ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર મસ્વાતી તૃતીયનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમની 15 પત્નીઓ, 30 બાળકો અને લગભગ 100 નોકરો સાથે દેખાય છે. એસ્વાટિનીને અગાઉ સ્વાઝીલેન્ડ તરીકે ઓળખવામાં આવતું હતું.
આ વીડિયો તેમની UAEની મુલાકાતનો છે. આ વીડિયો પહેલીવાર જુલાઈમાં સામે આવ્યો હતો, જેમાં તેમનું, તેમના પરિવાર અને સ્ટાફનું અબુ ધાબી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, જ્યારે તેઓ આટલા બધા લોકો સાથે પહોંચ્યા, ત્યારે સુરક્ષા વ્યવસ્થાના પડકારો ઉભા થયા, જેના કારણે અધિકારીઓને ત્રણ ટર્મિનલ બંધ કરવા પડ્યા.
રાજા મસ્વાતીના પિતાએ 125 વાર લગ્ન કર્યા હતા
વીડિયો ફૂટેજમાં રાજા મસ્વાતી તૃતીય દેશના ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રાઈવેટ જેટમાંથી ઉતરતા દેખાય છે, અને તેમની પાછળ મહિલાઓનું એક જૂથ ચાલી રહ્યું છે. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "સ્વાઝીલેન્ડના રાજા તેમની 15 પત્નીઓ અને 100 નોકરો સાથે અબુ ધાબી પહોંચ્યા. તેમના પિતા, સોભુઝા દ્વિતીયની 125 પત્નીઓ હતી." ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મસ્વાતી તૃતીયના 30 બાળકો તેમની અબુ ધાબી મુલાકાતમાં તેમની સાથે હતા.
રાજા મસ્વાતી તૃતીયની ટીકાન કેમ થઈ રહી છે?
મસ્વાતી તૃતીયની આ ભવ્યતાની વ્યાપક ચર્ચા થઈ છે, અને ઘણા લોકોએ તેમના દેશમાં ગરીબી હોવા છતાં આટલું શાહી જીવન જીવવા બદલ તેમની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, "આ જ કારણ છે કે મસ્વાતી તૃતીયના લોકો પાસે વીજળી નથી." બીજા યુઝરે પૂછ્યું, "શું આ દેશ એટલો સમૃદ્ધ છે કે તેની પાસે પ્રાઈવેટ જેટ છે?" અન્ય યુઝરે રાજા મસ્વાતી તૃતીયની ભવ્ય જીવનશૈલીની ટીકા કરતા લખ્યું, "આ માણસ પોતે પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી રહ્યો છે જ્યારે તેના દેશના લોકો ભૂખથી મરી રહ્યા છે."
દર વર્ષે નવી દુલ્હન પસંદ કરે છે રાજા
રાજા મસ્વાતી તૃતીય 1986થી એસ્વાટિનીના રાજા છે અને તેમની કુલ સંપત્તિ આશરે 1 અબજ ડોલર છે. તેમની પાસે અનેક વૈભવી મહેલો, લક્ઝરી કારનો કાફલો અને પ્રાઈવેટ જેટ છે. તેમની 15 પત્નીઓ છે અને તેઓ દર વર્ષે રીડ ડાન્સ સમારોહ દરમિયાન નવી દુલ્હન પસંદ કરે છે, જે પ્રદેશનો પરંપરાગત રિવાજ છે.

