Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : ‘Kidnapping, proselytizing and child marriage…’ Minor Hindu sisters cry in Pakistan court

‘કિડનેપિંગ, ધર્મ પરિવર્તન અને બાળલગ્ન...’ દર્દ જણાવતાં પાકિસ્તાનની કોર્ટમાં રડી પડી સગીર હિંદુ બહેનો

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
‘કિડનેપિંગ, ધર્મ પરિવર્તન અને બાળલગ્ન...’ દર્દ જણાવતાં પાકિસ્તાનની કોર્ટમાં રડી પડી સગીર હિંદુ બહેનો
સોર્સ : gstv

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 13 અને 14 વર્ષની બે સગીર હિંદુ બહેનોના કથિત અપહરણ (Kidnapping), બળજબરીથી ધર્મ પરિવર્તન (Forced Conversion) અને લગ્ન (Child Marriage) કરાવવાનો મામલો સામે આવ્યો છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને બહેનો ભાવુક થઈ રડી પડી હતી અને પરિવાર પાસે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

App Store

એક મહિનાથી ચાલી રહ્યો છે મામલો

મળતી માહિતી મુજબ, ટાંડોઅલ્લાહયારની ઇબ્રાહિમ કોલોનીમાં રહેતી બંને બહેનો કચ્છી કોલ્હી સમુદાયની છે. પરિવારનો આરોપ છે કે બંનેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને કથિત રીતે ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, બંનેના અમજદ સોલંગી અને મન્સૂર સોલંગી નામના બે યુવકો સાથે લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા.

આ મામલો લગભગ એક મહિનાથી ચાલી રહ્યો છે અને અત્યાર સુધી બંને નાબાલિકોને ત્રણ વખત કોર્ટમાં રજૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

‘અમારે ઘરે જવું છે’

તાજેતરની કોર્ટ સુનાવણી દરમિયાન બંને બહેનોને પરિવારને સોંપવાને બદલે એક સેફ હાઉસ (Safe House) મોકલવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ત્યાં બંને રડતી હતી અને પોતાના ઘરે પરત જવાની વાત કરી રહી હતી. કોર્ટની બહાર પણ બંને બહેનો પરેશાન જોવા મળી હતી.

પાકિસ્તાનના લઘુમતી અધિકાર સંગઠનના સ્થાપક અને અધ્યક્ષ શિવા કચ્છી પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. તેમણે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે નાબાલિક બહેનો અને તેમના પરિવારજનો બંને પરેશાન છે અને બહેનો ઘરે જવા માંગે છે.

પરિવારનો ગંભીર આરોપ

પરિવારનું કહેવું છે કે બંને છોકરીઓની ઉંમર માત્ર 13 અને 14 વર્ષ છે. આ ઘટનાને કારણે સિંધના હિંદુ સમુદાયમાં નાબાલિક છોકરીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. સિંધ પ્રાંતમાં પાકિસ્તાનની સૌથી મોટી હિંદુ વસ્તી રહે છે.

એક બહેન હોસ્પિટલમાં દાખલ

શિવા કચ્છીના જણાવ્યા અનુસાર, કોર્ટમાં બંને બહેનોના નિવેદન લેવામાં આવ્યા નહોતા અને મેડિકલ રિપોર્ટ (Medical Report) ન આવવાને કારણે તેમને સેફ હાઉસ મોકલવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સુનાવણી બાદ બંનેને ત્યાંથી લઈ જવામાં આવી હતી.

તેમના જણાવ્યા મુજબ, બંને બહેનો પોતાના માતા-પિતાને મળીને ગળે લાગી રડી પડી હતી. આ દરમિયાન 13 વર્ષની એક બહેન બેભાન થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

પરિવારનો દાવો છે કે બંને બાળકો ગુમ થયા બાદ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવામાં આવી હતી અને બાદમાં તેમને શોધી કાઢવામાં આવ્યા હતા. પરિવારનું કહેવું છે કે તેમ છતાં કોર્ટ દ્વારા બંનેને સેફ હાઉસ મોકલવામાં આવી છે.

લઘુમતી યુવતીઓ અંગે આંકડા

‘વોઇસ ઓફ પાકિસ્તાન માઇનોરિટી’ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની યુવતીઓના કથિત અપહરણ, ધર્મ પરિવર્તન અને લગ્ન સાથે જોડાયેલા અનેક કેસ નોંધાતા રહ્યા છે.

યુકે સરકાર દ્વારા સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના હવાલાથી આપવામાં આવેલા આંકડા અનુસાર, 2021થી 2024 વચ્ચે લઘુમતી યુવતીઓ અને મહિલાઓ સાથે જોડાયેલા ઓછામાં ઓછા 421 કથિત કેસ નોંધાયા હતા. તેમાં 282 પીડિતાઓ હિંદુ હોવાનું જણાવાયું હતું, જ્યારે લગભગ 72 ટકા કેસ સિંધમાંથી નોંધાયા હતા. વર્ષ 2024માં જ ઓછામાં ઓછા 83 કેસ નોંધાયા હતા, જેમાં 63 ટકા પીડિતાઓ હિંદુ યુવતીઓ હોવાનું જણાવાયું છે. આ સમગ્ર મામલે કોર્ટની કાર્યવાહી અને મેડિકલ રિપોર્ટ બાદ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.