VIDEO: જોરદાર ભૂકંપથી ધ્રૂજી ઊઠ્યું જાપાન, ટોક્યોમાં અફરાતફરી... 23 લોકો ઈજાગ્રસ્ત
જાપાનમાં રવિવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપના (Earthquake) કારણે રાજધાની ટોક્યો સહિત પૂર્વી જાપાનના અનેક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. જાપાન મોસમ વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 5.9 નોંધાઈ હતી, જ્યારે અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)એ તેની તીવ્રતા 5.8 ગણાવી છે.
ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ ઇબારાકી પ્રાંતમાં જમીનથી આશરે 70 કિલોમીટર ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આંચકા ટોક્યો ઉપરાંત ઇબારાકી, ચિબા, સાઇતામા અને કાનાગાવા જેવા વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 23 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોટાભાગના લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
ભૂકંપ સમયે અનેક લોકો ઊંઘમાં હતા. અચાનક આવેલા જોરદાર આંચકાથી ગભરાઈને ઊભા થતાં કેટલાક લોકો પડી ગયા, જ્યારે કેટલાક ફર્નિચર અથવા દરવાજા સાથે અથડાઈને ઈજાગ્રસ્ત થયા. યોકોહામામાં 80 વર્ષથી વધુ ઉંમરની એક મહિલાને બેડ પરથી પડી જવાથી ગંભીર ઈજા થઈ હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.
ભૂકંપ બાદ મોબાઇલ ફોન પર ઇમરજન્સી એલર્ટ (Emergency Alert) વાગવા લાગ્યા હતા. ટોક્યોના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને એક વિસ્તારમાં પાણીની પાઇપલાઇન ફાટવાથી રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. ટોક્યો નજીકની એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોમાં પણ વિલંબ થયો હતો, જોકે શિંકાન્સેન બુલેટ ટ્રેન સેવા સામાન્ય રહી હતી.
જાપાનના વડાપ્રધાન સાનાએ તાકાઈચીએ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટાસ્ક ફોર્સ (Task Force)ની રચના કરી છે. ન્યૂક્લિયર પ્લાન્ટ્સ અને અન્ય પરમાણુ સુવિધાઓમાં કોઈ અસામાન્ય સ્થિતિ નોંધાઈ નથી.
સદનસીબે, ભૂકંપ બાદ સુનામી (Tsunami)નું કોઈ જોખમ જાહેર કરવામાં આવ્યું નથી. જાપાનમાં વારંવાર ભૂકંપ આવતા હોવાથી સત્તાવાળાઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

