VIDEO: 'જાપાન પાસે ટેક્નોલોજી છે પણ માણસો નથી': ટોક્યોમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન!
જાપાનની રાજધાની ટોક્યો ખાતે ભારત અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મહત્વનું સંબોધન કર્યું છે. તેમણે બંને દેશોની પૂરક ક્ષમતાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ધાર મેળવવા માટે ભારત જાપાન માટે સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ ભાગીદાર સાબિત થઈ શકે છે.
'જાપાન પાસે ઉત્તમ ટેક્નોલોજી છે પણ માણસો નથી, ભારત બનશે શ્રેષ્ઠ ભાગીદાર'
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, જાપાન એક એવું અર્થતંત્ર છે જેની પાસે અત્યાધુનિક ટેક્નોલોજી અને ઉત્કૃષ્ટ બિઝનેસ પદ્ધતિઓ છે, પરંતુ ત્યાં માનવબળની અછત છે તેમજ વિશાળ સ્થાનિક બજારનો અભાવ છે. બીજી તરફ, ભારત પાસે વિશાળ સ્થાનિક બજાર, વિશાળ યુવા કાર્યબળ અને મોટા પાયે ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સનો લાભ
ભારતે વિશ્વના અનેક દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTAs) કરીને આંતરરાષ્ટ્રીય જોડાણ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. જો જાપાન અન્ય દેશોની તુલનામાં વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક લાભ મેળવવા માંગતું હોય, તો ભારત સાથે કામ કરવાથી તેને કુદરતી લાભ મળશે. કેન્દ્રીય મંત્રીએ બંને દેશોના ઉદ્યોગપતિઓને સાથે મળીને સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ અને ભાગીદારી વધારવા આહ્વાન કર્યું હતું.

