ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની બન્યા કિંગમેકર, યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મેળવી બમ્પર જીત
એક તરફ ભારતમાં પીએમ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત નવી સરકારે પોતાનું કામ સંભાળી લ

એક તરફ ભારતમાં પીએમ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત નવી સરકારે પોતાનું કામ સંભાળી લીધું છે. તો યુરોપીય સંસદ માટે થયેલી ચૂંટણીમાં જમણેરી પક્ષોએ યુરોપિયન સંસદની ચૂંટણીમાં ભારે જીત નોંધાવી છે. આ વખતે 27 દેશોના સંઘ યુરોપિયન યુનિયન (EU)ની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. ઘણાં દેશોની સરકાર હચમચી ગઈ પરંતુ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીએ નિર્ણાયક જીત મેળવી છે.
યુરોપિયન યુનિયનની સંસદમાં તેમના પક્ષની બેઠકો બમણીથી વધુ થઈ ગઈ છે. આ કારણે જ્યોર્જિયા મેલોની તેના દેશની સાથે સાથે યુરોપની મજબૂત નેતા તરીકે ઉભરી છે. ચૂંટણીમાં શાનદાર જીત બાદ મેલોનીએ કહ્યું કે, આ પરિણામો રાજનીતિક રૂપથી ખૂબ જ મહત્ત્વના છે. 27 સભ્યોની EU ચૂંટણીમાં આ વખતે જમણેરી પક્ષોની બોલબાલા જોવા મળી છે. આ ચૂંટણીમાં 720 સભ્યોને ચૂંટવા માટે થયેલા મતદાનમાં 99 ટકા મતોની ગણતરી બાદ મેલોનીની પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીને 28.81 ટકા મત મળ્યા છે.
જ્યોર્જિયા મેલોનીએ EU સંસદીય ચૂંટણીમાં મતદારોને મતદાન કરતી વખતે બેલેટ પેપર પર જ્યોર્જિયા લખવાની પણ અપીલ કરી હતી. પરિણામો આવ્યા પછી મેલોનીએ કહ્યું કે, મને ચૂંટણીના પરિણામો પર ગર્વ છે કે ઈટાલી યુરોપની સૌથી મજબૂત સરકાર તરીકે પોતાને રજૂ કરવા જઈ રહ્યું છે. ઈયુ ચૂંટણીના પરિણામો બાદ હવે મેલોનીનું વર્ચસ્વ વધી જશે.
જણાવી દઈએ કે EU ચૂંટણી 6થી 9 જૂન વચ્ચે યોજાઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 40 કરોડ લોકોએ ભાગ લીધો હતો. 6 જૂને નેધરલેન્ડ્સમાં મતદાન સાથે ચૂંટણીની શરૂઆત થઈ હતી. આ સમયગાળા દરમિયાન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, ઓસ્ટ્રિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં મોટા પાયે મતદાન થયું હતું.
જણાવી દઈએ કે, EUની ચૂંટણીમાં કારમી હાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સંસદ ભંગ કરીને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરી હતી. તો બેલ્જિયમની સત્તારૂઢ પાર્ટીએ ઈયુમાં હાર પછી પીએમ એલેક્ઝાન્ડર ડીક્રુએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું.






