VIDEO: ગાઝા જતું 'ગ્લોબલ સમુદ ફ્લોટિલા' ઈઝરાયેલ સૈન્યએ દરિયામાં અટકાવ્યું, 200ની અટકાત બાદ અનેક દેશો ભડક્યાં
ઈઝરાયલના સૈન્યએ ગાઝા જતાં વિદેશી એક્ટિવિસ્ટ અને રાહત સામગ્રીથી ભરેલી અનેક બોટને અટકાવી અટકાયતનો દોર ચલાવ્યો છે. આ તમામને ઈઝરાયલના પોર્ટ પર લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલની આ કાર્યવાહીના પડઘાં આખી દુનિયામાં પડ્યા છે કેમ કે આ કાફલાને ગ્લોબલ સમુદ ફ્લોટિલા નામ અપાયું હતું જેમાં ઘણાં દેશોમાંથી વિવિધ વિદ્વાનો, એક્ટિવિસ્ટ, ડૉક્ટર્સ વગેરે ગાઝા પીડિતો માટે મદદ લઈને જઈ રહ્યા હતા.
ઈઝરાયલને ગાઝાની દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે ગાઝામાં અનેક દાયકાઓથી નાકાબંધી કરી રાખી છે અને ત્યાં હમાસ વિરુદ્ધ યુદ્ધ પણ ચાલી રહ્યું છે જેના કારણે ભારે તબાહી મચી છે અને 65000 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં આડેધડ હુમલા કરવામાં આવી રહ્યા છે અને નિર્દોષ નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
200થી વધુની અટકાયતના અહેવાલ
અહેવાલ અનુસાર ઈઝરાયલના વિદેશ મંત્રાલયે એક વીડિયો શેર કર્યો છે જેમાં ગ્લોબલ સમુદ ફ્લોટિલામાં સામેલ સૌથી ચર્ચિત સ્વિડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને બતાવાઈ છે જે ડેક પર બેસેલી છે અને તેની ચારેબાજી ઈઝરાયલના સૈનિકો ઘેરી વળ્યા હતા. ઈઝરાયલે આ સાથે પાકિસ્તાનના પૂર્વ સાંસદ મુશ્તાક અહેમદ ખાનને પણ અટકાયત કરી છે. એક અહેવાલ અનુસાર ગાઝા જતા આ ગ્લોબલ સમુદ ફ્લોટિલામાં સામેલ 37 દેશોના 200 થી વધુ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.

