VIDEO: ઓસામા બિન લાદેનનો પુત્ર જીવિત છે? અલ-કાયદાએ પહેલીવાર જાહેર કર્યો વીડિયો
Terrorism News: 9/11 હુમલાની 25મી વરસી વચ્ચે અલ-કાયદા (Al-Qaeda)ના સત્તાવાર મીડિયા વિભાગ અસ-સહાબ (As-Sahab) દ્વારા ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનો લગભગ 50 મિનિટનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે 2019માં હમઝા બિન લાદેનના મોતના અહેવાલો સામે આવ્યા હતા.
હમઝા ઓસામા બિન લાદેનનો પુત્ર અને અલ-કાયદામાં તેનો જાહેર કરાયેલ ઉત્તરાધિકારી હતો. 2019માં અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક અમેરિકાના આતંકવાદ વિરોધી અભિયાન (Counter-Terror Operation)માં તેના મોતના અહેવાલો આવ્યા હતા. જોકે, હવે જાહેર થયેલા નવા વીડિયોમાં હમઝાની અગાઉ ક્યારેય જાહેર ન થયેલી કેટલીક તસવીરો અને દૃશ્યો જોવા મળતાં તેના જીવિત હોવા અંગે ફરી સવાલો ઊભા થયા છે.
50 મિનિટના વીડિયોમાં જવાહિરીની તસવીરો
અલ-કાયદાએ જાહેર કરેલા વીડિયોને “11 સપ્ટેમ્બરના હુમલાના 25 વર્ષ” નામ આપવામાં આવ્યું છે. વીડિયોમાં અલ-કાયદાના માર્યા ગયેલા નેતા અયમાન અલ-જવાહિરીની કેટલીક એવી તસવીરો પણ જોવા મળે છે, જે અગાઉ જાહેર કરવામાં આવી નહોતી. અહેવાલો અનુસાર સંગઠને અત્યાર સુધી જવાહિરીના મોતને સત્તાવાર રીતે સ્વીકાર્યું નથી.
વીડિયોમાં હમઝા માટીની દિવાલ સામે બેઠેલો જોવા મળે છે. તેના માથા પર સફેદ પાઘડી છે અને તેની બાજુમાં એક રાઇફલ રાખવામાં આવી છે. ગુપ્તચર નિષ્ણાતોના મતે, વીડિયોની રજૂઆત પાછળ અલ-કાયદાની જૂની વિચારધારાને ફરી રજૂ કરવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.
પાકિસ્તાની આતંકવાદી સંગઠનોના પ્રભાવનો સંકેત
વીડિયોની શરૂઆત પણ ખાસ ધ્યાન ખેંચે છે. તેમાં આંતરરાષ્ટ્રીય હુમલાની જગ્યાએ સપ્ટેમ્બર 2014માં કરાચીના નૌસેનાકીય ડોકયાર્ડ પર અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ દ્વારા કરવામાં આવેલા હુમલાની જૂની તસવીરો અને દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે.
ગુપ્તચર સૂત્રોના મતે, વીડિયોમાં પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનને શરૂઆતમાં મહત્વ આપવું અલ-કાયદાના પ્રચાર તંત્ર (Propaganda Network)માં પાકિસ્તાની તત્વોના પ્રભાવ તરફ સંકેત કરે છે.
ભરતી માટે બિન લાદેનના નામનો ઉપયોગ
અહેવાલ મુજબ આ વીડિયાનો હેતુ અલ-કાયદાની વર્તમાન વિચારધારાને પ્રોત્સાહન આપવાનો અને ઓસામા બિન લાદેનના નામનો ઉપયોગ કરીને નવા સભ્યોની ભરતી (Recruitment)ને પ્રોત્સાહન આપવાનો હોઈ શકે છે.
જોકે, વીડિયો સામે આવ્યા બાદ હમઝા બિન લાદેન ખરેખર જીવિત છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી માત્ર આ વીડિયોના આધારે તેના જીવિત હોવાનો દાવો કરવો યોગ્ય નથી

