VIDEO: હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ખુલ્લો પડકાર! જાણો, શું કહ્યું
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) મુદ્દે ઈરાને અમેરિકા અને ઈઝરાયેલને નવી ચેતવણી આપી છે. આમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંકવામાં આવ્યો છે કે તેઓ તેલના ટેન્કરોની રક્ષા કરીને બતાવે.
હકીકતમાં, હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપારનો સૌથી મહત્વપૂર્ણ માર્ગ છે. યુદ્ધ શરૂ થયા પછી ઈરાને ચેતવણી આપી હતી કે જો તેના હિતોને નુકસાન થશે, તો તે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકી શકે છે. આને કારણે સેંકડો જહાજો હોર્મુઝમાં અટવાઈ ગયા છે અને ક્રૂડ ઓઈલની સપ્લાય પર પણ માઠી અસર પડી છે.
હવે ઈરાનના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ નથી કર્યો, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા સાથે જોડાયેલા જહાજો ત્યાંથી પસાર થઈ શકશે નહીં. આ ઉપરાંત, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે ટ્રમ્પને પડકાર આપીએ છીએ કે તેઓ હોર્મુઝમાંથી તેલના ટેન્કરો બહાર કાઢવા માટે અમેરિકી જહાજોને એસ્કોર્ટ (સુરક્ષા કવચ) પર લગાવીને બતાવે."
બીજી તરફ, અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા તે માર્ગ પરથી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે.
કેમ ખાસ છે હોર્મુઝ સ્ટ્રેટ?
આ સાંકડો દરિયાઈ માર્ગ પર્સિયન ગલ્ફને (ઈરાની અખાત) ઓમાનની ખાડી અને આગળ અરબ સાગર સાથે જોડે છે. દુનિયાના અંદાજે 20% ક્રૂડ ઓઈલ અને લગભગ 25% કુદરતી ગેસનો પુરવઠો આ જ માર્ગે પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ અને ઈરાન જેવા દેશોની ઉર્જા નિકાસનો મોટો હિસ્સો આ રસ્તા પર નિર્ભર છે. હાલમાં હુમલાઓના કારણે અહીં ગતિવિધિઓ લગભગ ઠપ થઈ ગઈ છે.
ઈરાન માટે આ માત્ર આર્થિક જીવનરેખા નથી, પરંતુ નૌકાદળની તાકાત બતાવવાનું મહત્વનું સાધન પણ છે. તેની કોસ્ટલ મિસાઈલો, ડ્રોન અને હાઈ-સ્પીડ બોટ આ વિસ્તારમાં સતત તૈનાત રહે છે, જે આ ક્ષેત્રમાં તેની દરિયાઈ ક્ષમતાને મજબૂત બનાવે છે.

