ઈરાને નવા કમાન્ડર-ઇન-ચીફની કરી જાહેરાત, બ્રિગેડિયર જનરલ અહમદ વાહેદી સંભાળશે ચાર્જ

ઈરાનના નવા કમાન્ડર-ઇન-ચીફની જાહેરાત કરવામાં આવી છે. ઈરાની મીડિયા દૈનિક ઈરાન ન્યૂઝના અહેવાલ મુજબ, બ્રિગેડિયર જનરલ અહમદ વાહિદીને IRGCના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ઈરાનના IRGCનું કહેવું છે કે ઇઝરાયલી અને યુએસ બેઝ પર 'સૌથી ઝડપી' હુમલો ટૂંક સમયમાં શરૂ થશે.
'ઈતિહાસનો સૌથી મોટો હુમલો કરીશું' – ઈરાની સેનાની ધમકી
ખામેનેઈના મૃત્યુના કલાકો બાદ ઈરાની સશસ્ત્ર દળોએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના ઇતિહાસનું સૌથી ભયાનક અને વિનાશક સૈન્ય ઓપરેશન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ હુમલાનું મુખ્ય નિશાન ઈઝરાયેલના કબજા હેઠળના વિસ્તારો અને મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો હશે. IRGC એ આને "સન્માનિત શહાદત" ગણાવીને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.
સત્તાના ઉત્તરાધિકારનું સંકટ અને હાઈ એલર્ટ
86 વર્ષીય ખામેનેઈ 1989થી ઈરાનની સત્તા પર હતા. તેમના નિધન બાદ હવે ઈરાનમાં સત્તા કોણ સંભાળશે તેને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે. તેહરાનની સડકો પર હાલ સન્નાટો અને દહેશતનો માહોલ છે, જ્યારે સુરક્ષા દળોને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને "ક્રૂર યુગનો અંત" ગણાવ્યો છે, જ્યારે ઈરાન આને "કાયરતાપૂર્ણ હુમલો" ગણાવીને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઈશારો કરી રહ્યું છે.

