Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Houthis Claim: Saudi Arabia's F-15 Destroyed, Debris Video

VIDEO: હૂતીઓનો દાવો: સઉદી અરેબિયાનું F-15 તોડી પાડ્યું, કાટમાળનો વીડિયો જાહેર

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યમનમાં સક્રિય હૂતી વિદ્રોહીઓએ સઉદી અરેબિયાના એક F-15 ફાઈટર જેટને તોડી પાડવાનો (Shot Down) દાવો કર્યો છે. હૂતીઓના સૈન્ય મીડિયા પ્લેટફોર્મે યમનના મરીબ પ્રાંતના આકાશમાં આ ઘટના બની હોવાનો દાવો કરતા એક વીડિયો પણ જાહેર કર્યો છે. જોકે, સઉદી અરેબિયાએ હજુ સુધી પોતાના F-15 વિમાન તોડી પાડવામાં આવ્યું હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેથી હૂતીઓના આ દાવાની સ્વતંત્ર રીતે (Independently) પુષ્ટિ થઈ નથી.

App Store

મરીબમાં F-15 પર હુમલાનો દાવો

હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો કે સઉદી F-15 મરીબના હવાઈ વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી (Military Operation) કરી રહ્યું હતું. આ દરમિયાન હૂતી દળોએ તેના પર હુમલો કર્યો હતો. હૂતીઓ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં રણ વિસ્તારમાં સળગેલા વિમાનના કાટમાળ (Wreckage) જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જમીન પર વિમાનના મોટા ભાગના ટુકડા પડેલા જોવા મળે છે. કેટલાક સ્થળોએ કાટમાળ વચ્ચે આગ પણ દેખાય છે. હૂતીઓનું કહેવું છે કે કાટમાળમાં વિમાનની પૂંછડીનો ભાગ પણ સામેલ છે, જેના પર સઉદી અરેબિયાનો ધ્વજ અને અરબી ભાષામાં નિશાન દેખાય છે.

450થી વધુ હવાઈ હુમલાનો પણ દાવો

હૂતીઓએ વધુમાં આરોપ લગાવ્યો છે કે સઉદી અરેબિયાએ છેલ્લા એક સપ્તાહ દરમિયાન યમનના અલગ-અલગ વિસ્તારોમાં 450થી વધુ હવાઈ હુમલા (Air Strikes) કર્યા છે. સંગઠનના જણાવ્યા મુજબ, આ હુમલાઓમાં F-15 અને ટાઈફૂન ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હૂતીઓના દાવા પ્રમાણે, સઉદી વિમાનોએ તાઈઝ, લહજ, અલ-જૌફ, હજ્જાહ, મરીબ, સાદા અને અલ-બાયદા સહિતના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં નાગરિકોના મોત અને ઈજાઓ થઈ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની પણ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

કાટમાળ શોધવા આવેલા વિમાનો પર હુમલાનો દાવો

હૂતીઓના જણાવ્યા પ્રમાણે, F-15 તૂટી પડ્યા બાદ સઉદી અરેબિયાના F-15 અને ટાઈફૂન વિમાનોની બે ટુકડીઓ મરીબના આકાશમાં પહોંચી હતી. તેમનો હેતુ કથિત રીતે તૂટી પડેલા વિમાનનો કાટમાળ શોધવાનો હતો. હૂતીઓએ દાવો કર્યો કે તેમણે આ વિમાનો પર સ્થાનિક મિસાઈલોથી હુમલો કર્યો, જેના પગલે સઉદી વિમાનોને પાછા ફરવું પડ્યું.

થોડા કલાકો બાદ હૂતીઓએ મરીબના આકાશમાં સઉદી અરેબિયાના Wing Loong-2 સશસ્ત્ર ડ્રોનને પણ તોડી પાડવાનો દાવો કર્યો હતો.

સઉદી-હૂતી તણાવ ફરી વધ્યો

તાજેતરના દિવસોમાં સઉદી અરેબિયા અને હૂતી વિદ્રોહીઓ વચ્ચે તણાવ ફરી વધ્યો હોવાનું સામે આવ્યું છે. હૂતી પ્રવક્તા યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, સંગઠને સઉદી અરેબિયાના કેટલાક ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે. તેમાં લાલ સમુદ્રના કિનારે આવેલું યાનબૂ ઓઈલ પોર્ટ અને ખમીસ મુશૈત એરબેઝનો પણ સમાવેશ થાય છે.

બીજી તરફ, સઉદી અરેબિયાએ મક્કાની દક્ષિણ તરફ એક હૂતી ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો હતો. સઉદી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ડ્રોન મક્કાના પ્રતિબંધિત હવાઈ વિસ્તારમાં પ્રવેશે તે પહેલાં જ તેને નષ્ટ કરવામાં આવ્યું હતું.

હૂતીઓએ મક્કાને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે અને સઉદી અરેબિયા પર આ ઘટનાનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. 2015થી સઉદી અરેબિયા યમનમાં હૂતીઓ વિરુદ્ધ સૈન્ય ગઠબંધનનું નેતૃત્વ કરતું આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘર્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ તાજેતરની ઘટનાઓ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ ફરી વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે.