બાંગ્લાદેશમાં પરિવર્તન, મુજીબુર રહમાનના શહીદી દિવસ પર રજા રદ
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ પણ રાષ્ટ્રનું નિર્માણ કરનારા મુજીબુર રહમાનનો વારસો કટ્ટરપંથીઓના નિશાના પર છે.

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ પણ રાષ્ટ્રનું નિર્માણ કરનારા મુજીબુર રહમાનનો વારસો કટ્ટરપંથીઓના નિશાના પર છે. શેખ મુજીબુર રહમાનના શહીદી દિવસ 15 ઓગસ્ટની સાર્વજનિક રજા રદ કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં આ દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. 15 ઓગસ્ટ 1975માં બંગબંધુ મુજીબુર રહમાનની હત્યા કરવામાં આવી હતી, તેમની સાથે પરિવારના 4 લોકોની પણ હત્યા કરવામાં આવી હતી.
હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યૂનુસે જાહેરાત કરી કે મુજીબની યાદમાં રાષ્ટ્રીય શોક દિવસ પર રજા નહીં રહે, તેમને કહ્યું કે આ નિર્ણય તમામ રાજકીય પક્ષ સાથે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. આ પહેલા હિંસક પ્રદર્શન દરમિયાન શેખ મુજીબની મૂર્તિને તોડવામાં આવી હતી અને તે જ્યાં શહીદ થયા હતા તે રૂમને પણ આગના હવાલે કરવામાં આવ્યો હતો. તે રૂમ એક સંગ્રહાલયમાં બદલાયેલું હતું.
શેખ હસીનાના બે નજીકનાની અટકાયત
શેખ હસીનાના સલાહકાર રહેલા સલમાન એફ. રહમાનની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ કાયદા મંત્રી અનીસુલ હકને પણ પોલીસે પકડ્યા છે. આ લોકોને તે સમયે પોલીસે પકડી લીધા જ્યારે તે દરિયા માર્ગેથી ભાગવાનો પ્રયાસ કરતા હતા. બન્ને પર બે લોકોની હત્યાનો કેસ ચલાવવામાં આવ્યો છે.






