ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે ઐતિહાસિક વેપાર સમજૂતી! સ્વિસ પ્રમુખે કરી મોટી જાહેરાત

ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે થયેલા ટ્રેડ એન્ડ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (TEPA) ના અમલીકરણને સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ ગાય પાર્મેલિને અત્યંત સકારાત્મક ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ કરાર અમલમાં આવ્યા બાદથી જ બંને દેશોની કંપનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમજૂતીથી માત્ર દ્વિપક્ષીય વેપારને જ મોટો વેગ નહીં મળે, પરંતુ લાંબા ગાળાના આર્થિક સંબંધો, રોકાણ અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
કંપનીઓમાં મોટો ઉત્સાહ, દ્વિપક્ષીય વેપારને મળશે પ્રોત્સાહન
સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતાં સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિને જણાવ્યું હતું કે, "હું TEPAના અમલને ખૂબ જ સકારાત્મક રીતે મૂલવું છું. આ કરાર અમલમાં આવ્યા પછીથી વિવિધ કંપનીઓ તરફથી તેમાં જોરદાર રસ દાખવવામાં આવ્યો છે. મને પૂરી અપેક્ષા છે કે આગામી વર્ષોમાં TEPA ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચેના દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પાડશે."
રોજગારી અને લાંબા ગાળાના રોકાણ માટે મજબૂત પાયો
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ કરાર માત્ર સામાન્ય વેપાર સુધી મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશો વચ્ચે ઊંડા અને સ્થાયી આર્થિક સંબંધો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આનાથી લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળશે, નવી નોકરીઓનું સર્જન થશે અને ઇનોવેશન (નવીનતા) તેમજ ટકાઉ વિકાસને ગતિ મળશે."
ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડની ભાગીદારી
ગાય પાર્મેલિને બંને દેશોની શક્તિઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, રોકાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે આ કરાર ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ બંને માટે પારસ્પરિક લાભ ('વિન-વિન') લાવવાની પ્રચંડ ક્ષમતા ધરાવે છે. એક તરફ સ્વિટ્ઝર્લૅન્ડ પાસે વૈશ્વિક પહોંચ, વિશિષ્ટ ટેકનોલોજી, મજબૂત ઇનોવેશન ક્ષમતા અને રોકાણ માટેનો દીર્ઘકાલીન અભિગમ ધરાવતી કંપનીઓ છે; તો બીજી તરફ ભારત વિશાળ બજાર, ગતિશીલ અર્થતંત્ર, અત્યંત કુશળ માનવબળ (વર્કફોર્સ) અને વૈશ્વિક વેલ્યુ ચેઇનમાં સતત વિસ્તરી રહેલું મહત્વ ધરાવે છે. આ બંનેનું જોડાણ બંને દેશોના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.

