ભારતમાં હવે શાંતિ નથી અનુભવાતી; સંજય દત્તના નિવેદનથી ભારે વિવાદ, ટ્રોલિંગ બાદ આપી સ્પષ્ટતા

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત ફરી એકવાર પોતાના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે. ગાંધી જયંતીના વિશેષ અવસર પર જાણીતા અભિનેતા શેખર સુમનના ટોક શો 'શેખર ટુનાઇટ'માં હાજરી આપતી વખતે સંજય દત્તે દેશના વર્તમાન માહોલ અંગે કહ્યું હતું કે તેમને હવે ભારતમાં 'શાંતિ' અનુભવાતી નથી. આ નિવેદન સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ શરૂ થઈ હતી.
જે બાદ સંજય દત્તે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, હું સ્પષ્ટ કરવા માગું છું કે કોઈપણ વ્યક્તિ, સમુદાય કે સંસ્થાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો, નારાજ કરવાનો કે તેમનું અનાદર કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. મારી વાતો એક સ્ક્રિપ્ટેડ વાતચીતનો હિસ્સો હતી, જેનો ઉદ્દેશ્ય 'મુન્ના ભાઈ' જેવી હળવાશ અને 'ગાંધીગીરી'નો પ્રેમ-એકતાનો સંદેશ આપવાનો હતો. કમનસીબે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.
'ભારતમાં હવે શાંતિ નથી અનુભવાતી': વિવાદનું મૂળ કારણ
શેખર સુમનના શોમાં સંજય દત્તે પોતાની આઇકોનિક ફિલ્મ 'મુન્ના ભાઈ MBBS' ના અંદાજમાં દેશની સ્થિતિ પર વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આ દેશના લોકો ખૂબ પ્રેમાળ છે. અહીં શાંતિ હોવી જોઈએ. મને હવે આપણા દેશમાં પહેલા જેવી શાંતિ અનુભવાતી નથી. આપણે ભારતીયો મોટા દિલવાળા અને અતિથિ સત્કાર કરનારા છીએ. આપણે ઘણું આપ્યું છે અને આપણે હંમેશાં એવા જ રહેવું જોઈએ. હું મહાદેવને પ્રાર્થના કરું છું કે તે જૂના શાંતિપૂર્ણ દિવસો જલ્દી પાછા આવે.
5 મિનિટ માટે વડાપ્રધાન બન્યા: વિદેશ પ્રવાસો પર પરોક્ષ કટાક્ષ કર્યો
આ જ ટોક શોના એક સેગમેન્ટમાં સંજય દત્તને કાલ્પનિક પરિસ્થિતિ આપવામાં આવી હતી કે જો તેઓ 5 મિનિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં હોય તો જનતાને શું સંબોધન કરશે? સંજય દત્તે કહ્યું હતું કે, બોલે તો આટલો મોટો દેશ છે, આટલા બધા લોકો છે અને હવે આ બધાની જવાબદારી મારા પર છે. પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું આ ખુશી માણવા માટે વિદેશ નથી જવાનો. હું અહીં જ રહીશ, તમારા બધાની વચ્ચે. નહીં તો પછી પીએમ અને જનતા વચ્ચે કનેક્શન કેવી રીતે બનશે?
આ નિવેદનને લોકોએ સીધું પીએમ મોદીના વિદેશ પ્રવાસો પર કરાયેલા કટાક્ષ તરીકે જોયું હતું.
દુબઈમાં રહે છે પરિવાર, 10 વર્ષનો ગોલ્ડન વિઝા
આ નિવેદન બાદ લોકોએ સંજય દત્તની જીવનશૈલી પર પણ પ્રહારો કર્યા હતા. સંજય દત્ત પાસે UAEનો 10 વર્ષનો ગોલ્ડન વિઝા છે. તેમની પત્ની માન્યતા દત્ત અને જોડિયા બાળકો શહરાન તેમજ ઇકરા કાયમી ધોરણે દુબઈમાં વસવાટ કરે છે. સંજુ બાબા ફિલ્મી શૂટિંગ અને કામ માટે મુંબઈ-દુબઈ વચ્ચે સતત અવરજવર કરતા રહે છે. આ કારણોસર યૂઝર્સે સવાલો ઉઠાવ્યા હતા કે પોતે મોટાભાગે બહાર રહેતા હોવા છતાં દેશની શાંતિ પર સવાલો કેમ ઉઠાવી રહ્યા છે.
1993 બ્લાસ્ટ્સ કેસ અને સજાનો ભૂતકાળ ફરી ચર્ચામાં આવ્યો
આ વિવાદને પગલે સંજય દત્તનો ભૂતકાળ પણ ફરી સપાટી પર આવ્યો હતો. વર્ષ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્ત પર ટાડા (TADA) હેઠળ કેસ ચાલ્યો હતો. વર્ષ 2006માં ટાડા કોર્ટે તેમને ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવી 6 વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે સજા ઘટાડીને 5 વર્ષ કરી હતી અને તેણે પુણેની યરવડા જેલમાં સજા પૂર્ણ કરી હતી.

