ઇરાનને સમર્થન આપતા યમન અને લેબેનોન યુદ્ધમાં જોડાયા, ઈઝરાયેલ પર કર્યો હુમલો

ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાન પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં અમેરિકાના F-22 રેપ્ટર ફાઇટર જેટ પણ સામેલ હતા. તેહરાનમાં 30 સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલો દ્વારા એકસાથે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હુમલા પછી ટ્રમ્પે ઇરાન પર હુમલાનું કારણ આપ્યું છે. હવે ઇરાને પણ બદલો લેવાનો હુમલો શરૂ કર્યો છે. ઇરાને ઇઝરાયલ પર 70થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. યમન અને લેબનોનથી હિઝબુલ્લાહ પણ ઇરાન સાથે યુદ્ધમાં જોડાયા છે.
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધની સ્થિતિને જોતાં યમન પણ હવે ઈરાનની વહારે આવ્યું છે અને તેણે એક મોટો નિર્ણય લેતા રાતા સમુદ્રને જહાજોની અવર-જવર માટે બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હવે યમન પણ ઈરાન સાથે મળીને ઈઝરાયલ અને અમેરિકા પર હુમલા કરી રહ્યું છે.
ઈરાનના કથિત સાથીદારો લેબેનોન અને યમને પણ ઈઝરાયલમાં મિસાઈલ હુમલા શરૂ કરી દીધાના અહેવાલ સામે આવ્યા છે. યમનમાં હૌથીઓ દ્વારા એક પછી એક અનેક મિસાઈલો ઈઝરાયલ તરફ દાગવામાં આવી રહી છે. જ્યારે લેબેનોનમાં હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા ઈઝરાયલને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
ઈરાને ઈઝરાયેલના હુમલાની જવાબી કાર્યવાહીમાં મોટું પગલું ભર્યું છે. રિપોર્ટ્સ મુજબ ઈરાન દ્વારા ઈઝરાયેલ ઉપર ઓછામાં ઓછી 70 મિસાઈલો છોડવામાં આવી છે. ઈઝરાયેલે તેની તમામ ડિફેન્સ સિસ્ટમ ચાલુ કરી દીધી છે. બહેરિન સ્થિત અમેરિકી દૂતાવાસે પોતાના તમામ કર્મીઓને શેલ્ટર ઈન પ્લેસ લાગુ કરી દીધું છે. દૂતાવાસે નિર્દેશ આપ્યો છે કે આગામી સૂચના સુધી તમામ કર્મચારીઓ સુરક્ષિત સ્થાનો ઉપર રહે.
ઇઝરાયલની સેના IDF એ જણાવ્યું હતું કે ઇરાનથી ઇઝરાયલ તરફ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, અને દેશવ્યાપી એલર્ટ સક્રિય કરવામાં આવ્યું છે.
ઈરાની મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવેલા ઈઝરાયલી શહેરોમાં જેરુસલેમ, હાઈફા અને શેફેલાહનો સમાવેશ થાય છે. આ દરમિયાન નવી અપડેટ મુજબ ઈરાને ઈઝરાયલ તરફ મિસાઈલોનો બીજો જથ્થો છોડ્યો છે. ઈઝરાયલ તેની બધી શક્તિથી આ ઈરાની મિસાઈલોનો નાશ કરી રહ્યું છે.

