નેપાળમાં રાજશાહીની માગ સાથે ભવ્ય રેલી: 'અમારા રાજા પાછા લાવો'ના નારા સાથે કાઠમાંડુમાં દેખાવો

નેપાળમાં ફરી એકવાર રાજશાહીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે રાજધાની કાઠમાંડુમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રેલી કાઢી હતી. માર્ચમાં યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા પ્રદર્શનકારીઓએ દેશમાં ફરીથી રાજશાહી પરંપરા લાગુ કરવાની માગ બુલંદ કરી છે.
'Gen-Z' આંદોલન બાદ પ્રથમ મોટી રેલી
સપ્ટેમ્બરમાં અસંતુષ્ટ 'Gen-Z' યુવાઓ દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ નેપાળમાં વચગાળાની સરકારની રચના થઈ હતી. આ આંદોલન બાદ પદભ્રષ્ટ રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી આ પ્રથમ મોટી રેલી હતી. પ્રદર્શનકારીઓએ 18મી સદીમાં શાહ વંશની સ્થાપના કરનાર રાજા પૃથ્વી નારાયણ શાહની પ્રતિમા પાસે એકત્ર થઈને "અમે અમારા રાજાને પ્રેમ કરીએ છીએ, રાજાને પાછા લાવો"ના ગગનભેદી નારા લગાવ્યા હતા.
2008માં ખતમ થઈ હતી રાજશાહી
ઉલ્લેખનીય છે કે, નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્રને પદ છોડવાની ફરજ પાડવામાં આવી હતી અને 2008માં સત્તાવાર રીતે રાજશાહીનો અંત લાવી નેપાળને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, પ્રદર્શનમાં સામેલ સમ્રાટ થાપાએ જણાવ્યું હતું કે, "દેશની વર્તમાન સ્થિતિ જોતા રાજશાહી જ એકમાત્ર વિકલ્પ છે."
શાંતિપૂર્ણ સભા અને પોલીસ બંદોબસ્ત
વર્ષ 1997થી 2012 વચ્ચે જન્મેલા લોકો 'Gen-Z' પેઢી તરીકે ઓળખાય છે. રવિવારે પૃથ્વી નારાયણ શાહની જયંતી હોવાથી દર વર્ષે આ દિવસે રેલી નીકળે છે. ગત વર્ષે માર્ચમાં આવી જ એક રેલીમાં હિંસા ફાટી નીકળતા બે લોકોના મોત થયા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વખતે દંગા નિયંત્રણ પોલીસે સમગ્ર કાર્યક્રમ પર ચાંપતી નજર રાખી હતી અને સભા શાંતિપૂર્ણ રહી હતી.

