VIDEO: ટ્રમ્પના દબાણ બાદ G7નો મોટો નિર્ણય, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ તેલ છોડાશે
વિશ્વના અગ્રણી દેશોના સમૂહ G7એ વૈશ્વિક ઊર્જા બજારમાં વધતા બળતણના ભાવ અને પુરવઠાની ચિંતાઓ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો છે. G7 દેશો તેમના ઇમરજન્સી રિઝર્વ (Emergency Reserve)માંથી આશરે 10 કરોડ (100 મિલિયન) બેરલ ક્રૂડ ઓઈલ અને ડીઝલ બજારમાં છોડવા સંમત થયા છે. આ નિર્ણયનો હેતુ વૈશ્વિક બજારમાં બળતણનો પુરવઠો જાળવી રાખવા અને ભાવ પરનું દબાણ ઘટાડવાનો છે.
આ ઉપરાંત G7 દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જાની નિકાસ પર કોઈ નવા પ્રતિબંધો નહીં લાદવાની ખાતરી આપી છે. બજારમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે આ નિર્ણયથી ક્રૂડ ઓઈલના ભાવ અને સપ્લાય અંગેની ચિંતાઓમાં ઘટાડો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રમ્પની EUને નિકાસ રોકવાની ચીમકી
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) પર પોતાના ઇમરજન્સી ડીઝલ ભંડારમાંથી પુરવઠો બજારમાં છોડવા માટે દબાણ કર્યું હતું. અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસને ચેતવણી આપી હતી કે જો યુરોપ પોતાના ડીઝલ રિઝર્વમાંથી સપ્લાય નહીં વધારે તો અમેરિકા યુરોપ તરફની ડીઝલ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે.
યુરોપિયન દેશો અમેરિકાથી આવતા ડીઝલના પુરવઠા પર નિર્ભર હોવાથી આ પ્રકારના પગલાથી ઊર્જા બજાર પર અસર થવાની ચિંતા હતી. ત્યારબાદ G7 સ્તરે ઈમરજન્સી રિઝર્વનો ઉપયોગ કરીને બજારમાં વધારાનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.
માર્ચમાં પણ મોટો તેલ જથ્થો બજારમાં છોડાયો હતો
આ પહેલી વખત નથી જ્યારે વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Oil Reserve)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈરાન સાથેના સંઘર્ષ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ માર્ચમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ની આગેવાની હેઠળ આશરે 40 કરોડ બેરલ તેલ બજારમાં છોડવાની સમજૂતી થઈ હતી.
IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલના જણાવ્યા અનુસાર, અગાઉ નક્કી કરાયેલા જથ્થામાંથી લગભગ બે તૃતીયાંશ તેલ બજારમાં રજૂ થઈ ચૂક્યું છે. હવે નવા 10 કરોડ બેરલના જથ્થાને IEAના સંકલનથી બજારમાં મૂકવાની યોજના છે.
વૈશ્વિક બજાર પર શું થશે અસર?
G7ના નિર્ણયથી વૈશ્વિક ઈંધણ બજારમાં વધારાનો પુરવઠો ઉપલબ્ધ થશે. સામાન્ય રીતે બજારમાં સપ્લાય વધવાથી ભાવ પરનું દબાણ ઘટી શકે છે, જોકે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર માગ, ઉત્પાદન, ભૌગોલિક-રાજકીય (Geopolitical) સ્થિતિ અને અન્ય પરિબળોની પણ અસર થાય છે.
નવા નિર્ણય હેઠળ જાહેર થનારા 10 કરોડ બેરલમાંથી કેટલો જથ્થો માર્ચમાં થયેલી સમજૂતીના બાકી હિસ્સાનો છે, તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા હજુ સામે આવી નથી. તેમ છતાં, અમેરિકા અને યુરોપ વચ્ચે ઊર્જા પુરવઠાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે G7નું આ પગલું વૈશ્વિક તેલ બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

