VIDEO: અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર થશે, ટ્રમ્પ સરકાર 2 લાખ વિદેશીઓના વિઝા રદ કરશે
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં શરણ (Asylum) માટે અરજી કરનારા અથવા શરણ મેળવવાનો પ્રયાસ કરી રહેલા આશરે 2 લાખ વિદેશી નાગરિકોના બિઝનેસ (B1) અને ટૂરિઝમ (B2) વીઝા રદ્દ કરવા માટેની મોટી તૈયારી કરી રહ્યું છે. જો આ યોજનામાં કોઈ ફેરફાર કે કાનૂની પડકાર નહીં આવે, તો વિદેશ વિભાગ દ્વારા આગામી સપ્તાહોમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. અમેરિકી ઇતિહાસમાં એક જ સમયે આટલી મોટી સંખ્યામાં વીઝા રદ્દ કરવાનો આ સર્વપ્રથમ અને મોટો કિસ્સો બનશે.
2016 થી 2026 વચ્ચે ઇશ્યૂ થયેલા B1 અને B2 વીઝા નિશાન પર
અહેવાલો તેમજ વિદેશ વિભાગના દસ્તાવેજો અનુસાર, આ કડક નિર્ણય હેઠળ વર્ષ 2016 થી 2026 ની વચ્ચે ઇશ્યૂ કરવામાં આવેલા B1 અને B2 વીઝાનો સમાવેશ થાય છે. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ સાથે મળીને એવા વિદેશીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ ટૂંકા ગાળાના વિઝિટર તરીકે અમેરિકા આવ્યા હતા પરંતુ પાછળથી અહીં કાયમી ધોરણે રહેવા માટે શરણની અરજી દાખલ કરી દીધી હતી.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વીઝા રદ્દ થવાનો અર્થ એવો નથી કે તે લોકોને તાત્કાલિક દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. જે લોકોના શરણ મેળવવાના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, તેઓ કાનૂની રીતે તેમના દાવા પર આગળ વધવાનો અધિકાર જાળવી રાખશે. જોકે, તેઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ વિઝિટર તરીકેનું સ્ટેટસ ગુમાવી દેશે. ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યકાળની શરૂઆતથી જ અમેરિકી વીઝા અને ઇમિગ્રેશન નિયમોને અત્યંત કડક બનાવવાના ભાગરૂપે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

