VIDEO: નેપાળમાં જળપ્રલય: 175થી વધુના મોત, 300 ભારતીયો સહિત 500થી વધુ વિદેશીઓ લાપતા થતાં ભારે ફફડાટ!
નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે.
300 ભારતીયોનો સંપર્ક થઈ શક્યો નથી: નેપાળના વિદેશમંત્રી
નેપાળના સરહદી વિસ્તાર રસુવાગઢીમાં અચાનક આવેલા ભીષણ પૂરે (Flash Flood) ભારે વિનાશ વેર્યો છે. ગતરોજ ત્રાટકેલા આ પૂરના કારણે સમગ્ર વિસ્તારમાં મોટા પાયે નુકસાન થયું છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું કે, જે વિસ્તારમાં આ પૂરનું તાંડવ જોવા મળ્યું છે, તે કૈલાશ માનસરોવર યાત્રાનો મુખ્ય પારંપરિક માર્ગ છે. મોટાભાગના વિદેશી અને ભારતીય શ્રદ્ધાળુઓ આ જ રૂટ પરથી યાત્રા આગળ વધારતા હોય છે. પૂરના કારણે સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં હાલ આશરે 300 ભારતીયો સાથે સંપર્ક થઈ શકતો નથી. નેપાળ સરકાર વિદેશી દૂતાવાસો સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને શોધવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે.
સંપર્ક પુનઃસ્થાપિત થતાં સામે આવ્યા તારાજીના દ્રશ્યો
આ ભયાનક આપત્તિ બાદ અસરગ્રસ્ત જિલ્લામાં નેટવર્ક અને કનેક્ટિવિટી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. જોકે, આજે વિસ્તારમાં ઈન્ટરનેટ અને બેન્ડવિડ્થ સેવાઓ આંશિક રીતે પુનઃસ્થાપિત થતાં ગ્રાઉન્ડ ઝીરો પરથી વિનાશના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.
પૂરથી થયેલું મોટું નુકસાન
પ્રાથમિક અહેવાલો અને તસવીરો અનુસાર પૂરના ધસમસતા પ્રવાહમાં રસ્તાઓ, પુલ અને સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ભારે માત્રામાં કાટમાળ, પથ્થરો અને કાદવ પથરાઈ ગયા છે, જેનાથી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.
તમિલનાડુના 37 પ્રવાસીઓ લાપતા
તમિલનાડુથી ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, જ્યારે 20 લોકો સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ હિમાલય સ્થિત એક મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા.
ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો ગુમ
કોઈમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી. જોકે, અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે. બાદમાં નેપાળ સરકારે પુષ્ટિ કરી હતી કે સંબંધિત ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી.
ભારતની ત્વરિત મદદ બદલ નેપાળે આભાર માન્યો
નેપાળના વિદેશ મંત્રીએ નવી દિલ્હી દ્વારા તાત્કાલિક મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને માનવીય સહાય બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી કે આ સંકટના સમયે નેપાળ સાથે ઊભા રહે અને પુનઃનિર્માણમાં સહયોગ આપે.તેમણે સ્પષ્ટતા કરી પોખરા અને માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્ર પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લા છે. 2015ના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેપાળ આ આપત્તિમાંથી પણ ઝડપથી બેઠું થશે.

