VIDEO: NEWS AFTERNOON / નેપાળમાં વિનાશક પૂર: સેંકડો પ્રવાસીઓ ગુમ, રામ મંદિરમાં 4 કરોડનો ચેક આપનાર મહિલાના ખાતામાં માત્ર ₹3
નેપાળમાં વિનાશક પૂર: સેંકડો પ્રવાસીઓ ગુમ
નેપાળ-ચીન સરહદે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરને કારણે ભારતના 105 સહિત 384 પ્રવાસીઓ ગુમ થયા છે. કૈલાસ માનસરોવર યાત્રા દરમિયાન બનેલી આ ઘટના બાદ વહીવટીતંત્રે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી સંપર્ક વિહોણા બનેલા લોકોને શોધવા તપાસ તેજ કરી છે.
યુએસ વિઝા નિયમો કડક: 14 હજાર ગુજરાતીઓ પર અસર
અમેરિકામાં અસાઈલમ માગનારાઓ સામે ટ્રમ્પ પ્રશાસન મોટી કાર્યવાહીની તૈયારીમાં છે. B1-B2 વિઝા પર જઈને આશ્રય માગનારા આશરે 2 લાખ લોકોના વિઝા રદ થવાની શક્યતા છે, જેની સીધી અસર 14 હજાર જેટલા ગુજરાતી અરજદારો પર પણ પડી શકે છે.
ખાંડના ભાવ પર કૈલાશ વિજયવર્ગીયનું વિવાદિત નિવેદન
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ખાંડના વધતા ભાવ વચ્ચે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ખાંડ એટલી મોંઘી કરી દેવી જોઈએ કે 40થી વધુ વયના લોકોને તે મળે જ નહીં, કારણ કે આજકાલ 90 ટકા લોકો ગળ્યું ખાવાનું ટાળે છે.
સરકારના પગલાંથી ખાંડના ભાવમાં ઘટાડો શરૂ
સરકારના પ્રયાસો બાદ બજારમાં ખાંડના વધતા ભાવ પર બ્રેક લાગી છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને કોલકાતાના જથ્થાબંધ બજારોમાં ખાંડના ભાવ ઘટીને 51 થી 53 રૂપિયા પ્રતિ કિલો થયા છે, જેની રાહત આગામી 3 થી 5 દિવસમાં સામાન્ય ગ્રાહકોને છૂટક બજારમાં પણ મળશે.
રામ મંદિરમાં 4 કરોડનો ચેક આપનાર મહિલાના ખાતામાં માત્ર ₹3
અયોધ્યા રામ મંદિરમાં એક શ્રદ્ધાળુ મહિલાએ કર્મચારીઓની સુવિધા માટે 4 કરોડ રૂપિયાનો દાનનો ચેક અર્પણ કર્યો હતો. જોકે, બેંક તપાસમાં મહિલાના ખાતામાં માત્ર 3 રૂપિયા જ હોવાનું સામે આવતાં ટ્રસ્ટે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ભાજપ અગ્રણીની મોડી રાત્રે ધરપકડ
અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી અને ભાજપ આગેવાન મથુર સાકરીયાની બી-ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. એક પ્રેમલગ્નના વિવાદમાં સમાધાન કરાવવા ગયેલા સાકરીયાની પોલીસ સાથે બોલાચાલી થતાં તેમની સામે શાંતિ ભંગનો ગુનો નોંધી અટકાયત કરાતાં સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.
ગેડીયા એન્કાઉન્ટર કેસ: સેશન્સ કોર્ટે આપ્યો વચગાળાનો સ્ટે
સુરેન્દ્રનગરના ગેડીયા ગામમાં 2021ના ચકચારી પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં પાટડી કોર્ટે SITની સી-સમરી રદ કરી હતી. જોકે, DYSP દ્વારા ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરાતાં કોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે, જેની આગામી આખરી સુનાવણી 2 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

