VIDEO: 'દરેક પુખ્ત નાગરિકને મળશે ₹4.2 લાખ', ટ્રમ્પનું મોટું વચન: અમેરિકામાં પણ ‘મફતની રેવડી’!
US politics: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે મહત્ત્વપૂર્ણ નિવેદનોને કારણે રાજકીય અને આર્થિક ક્ષેત્રે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે અમેરિકન નાગરિકોને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધના કારણે વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી નીચે નહીં આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ બંને નિવેદનો અમેરિકાની અર્થવ્યવસ્થા અને રાજકારણ સાથે સીધા જોડાયેલા છે.
દરેક નાગરિકને પાંચ હજાર ડૉલરનું ડિવિડન્ડ આપવાનું વચન
કોઈ સફળ કંપની પોતાના શેરધારકોને જે રીતે કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો લાભ પહોંચાડતા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક પુખ્ત નાગરિકને પાંચ હજાર ડૉલર (આશરે ₹4.2 લાખ) ડિવિડન્ડ રૂપે આપવાની જાહેરાત કરી છે. શરત એ છે કે જો રિપબ્લિકન પાર્ટી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેની ચૂંટણી જીતી જાય તો આ યોજના અમલમાં આવશે. આ પ્રસંગે તેમણે ગત વર્ષે સૈન્ય જવાનોને આપવામાં આવેલા 1775 ડૉલરની પણ યાદ અપાવી હતી, જેમાં તેમણે અમેરિકાની આઝાદીના વર્ષ સાથે જોડવા માટે પોતાની તરફથી એક ડૉલર ઉમેરીને રકમ 1776 ડૉલર કરી દીધી હતી.
ક્રૂડ ઓઇલના ભાવ મિડટર્મ ચૂંટણી સુધી ઊંચા રહેવાની શક્યતા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર હુમલાઓના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેને પગલે જુલાઈ પછી પ્રથમવાર કિંમતો 100 ડૉલરને વટાવી ગઈ છે. આ સ્થિતિને લઈને ટ્રમ્પે સ્વીકાર્યું છે કે આ યુદ્ધની અસરોને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ મિડટર્મ ચૂંટણી અગાઉ નીચે આવે તેવી સંભાવના નહિવત્ છે.
ચૂંટણી પછી પરિસ્થિતિ સુધરવાની આશા
શરૂઆતમાં આ સંઘર્ષ માત્ર કેટલાક જ અઠવાડિયામાં ખતમ થઈ જશે તેવો દાવો કરનાર ટ્રમ્પનું આ યુદ્ધ હવે સાતમાં મહિનામાં પહોંચી ગયું છે. ડલ્લાસ ખાતેના રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં પ્રસ્થાન કરતા પૂર્વે પત્રકારો સમક્ષ તેમણે એવું જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થતા જ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે, છતાં આ પ્રક્રિયામાં ચૂંટણીના સમયગાળા કરતાં થોડો વધુ સમય અવશ્ય લાગી શકે છે. આ સાથે તેમણે એવો વિશ્વાસ પણ પ્રગટ કર્યો હતો કે ચૂંટણી પૂરી થતાં જ ઈરાન વધુ સમય સુધી ટકી ન શકવાને કારણે આખરે પીછેહઠ કરવા માટે મજબૂર થઈ જશે.

