'યુદ્ધનો દરેક દિવસ માનવતાના કલ્યાણને પાછળ ધકેલે છે', રશિયા-યુક્રેન યુદ્ધ અંગે શાંતિ સ્થાપવા PM મોદીની અપીલ

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન PM મોદીએ રશિયન રાષ્ટ્રપ્રમુખને યુદ્ધ વિરામ અને શાંતિ સ્થાપવા અપીલ કરતા જણાવ્યું હતું કે, તમામ વિવાદોનો ઉકેલ શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા જ શક્ય છે.
શાંતિ અને માનવતાના પક્ષમાં ભારતનું વલણ
PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે 'એન્ડલેસ વોર' (અંતહિન યુદ્ધ) તરફથી 'એન્ડ ઓફ વોર' (યુદ્ધનો અંત)ની દિશામાં આગળ વધવું જરૂરી છે, કારણ કે યુદ્ધનો દરેક દિવસ માનવતાના કલ્યાણને પાછળ ધકેલે છે. બુદ્ધ અને ગાંધીના આદર્શો પર ચાલનારો દેશ હોવાના નાતે ભારત હંમેશાં શાંતિનો પક્ષધર રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, ભારત યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે.
દ્વિપક્ષીય સંબંધો અને રાષ્ટ્રીય હિત
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે, બંને દેશો પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને આગળ વધી રહ્યા છે, અને આપણો સહયોગ નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે. મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ સહયોગ, ઊર્જા પુરવઠો, દ્વિપક્ષીય વેપાર, ખાતરની સપ્લાય અને આગામી બ્રિક્સ (BRICS) શિખર સંમેલન સહિતના મહત્વના ભૌગોલિક-રાજકીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી.
સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે: વ્લાદિમીર પુતિન
રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 2% થી વધુ વધ્યો છે, અને પ્રવાસન ક્ષેત્રે પણ 2025 સુધીમાં 16%નો વધારો થવાની ધારણા છે. તેમણે બંને દેશો વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત ભાગીદારીને વધુ મજબૂત બનાવવા બદલ PM મોદીના વ્યક્તિગત પ્રયાસોનો આભાર માન્યો હતો.
બંને નેતાઓએ બિશ્કેક એરેના ખાતે છઠ્ઠા વર્લ્ડ નોમેડ ગેમ્સ (World Nomad Games) ના ઉદ્ઘાટન સમારોહમાં એક જ કારમાં સાથે મુસાફરી કરીને હાજરી આપી હતી.

