VIDEO: ૨૩ વર્ષ જૂના મિશનનો અંત! અમેરિકન સૈનિકો ઇરાક છોડશે, ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત
US Army Leaves Iraq: પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) ના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2003માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા માટે ઇરાકમાં પ્રવેશેલી અમેરિકન સેના હવે આગામી સપ્ટેમ્બર 2026 સુધીમાં ત્યાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં મળેલી બેઠક બાદ આ ઐતિહાસિક સૈન્ય વાપસીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમામ સૈનિકો પરત ફરશે
વ્હાઇટ હાઉસમાં યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં તમામ અમેરિકન સૈનિકો ઇરાકમાંથી સ્વદેશ પરત ફરી જશે. ટ્રમ્પે જણાવ્યું કે હવે ત્યાં અમેરિકન સેના રાખવાની કોઈ જરૂર નથી અને આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો સૈન્ય આધારિત નહીં, પરંતુ આર્થિક અને વ્યાપારી ક્ષેત્રના રહેશે. ઇરાકના પીએમ અલી અલ-ઝૈદીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.
ઇરાનની લાંબા ગાળાની વ્યુહરચનાની સફળતા
આ નિર્ણયને રણનીતિક વિશ્લેષકો ઇરાન (તેહરાન) ની એક મોટી વૈશ્વિક સફળતા તરીકે જોઈ રહ્યા છે. ઇરાન લાંબા સમયથી અમેરિકાને ઇરાક સહિત સમગ્ર મિડલ ઇસ્ટમાંથી પોતાનું સૈન્ય હટાવવા દબાણ કરી રહ્યું હતું. તાજેતરના સમયમાં ઇરાન સમર્થિત જૂથોએ ઇરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર સતત રોકેટ અને ડ્રોન હુમલા કરીને અમેરિકા પર ભારે દબાણ ઊભું કર્યું હતું.
તાજેતરની જંગમાં અમેરિકાને મોટું આર્થિક અને સૈન્ય નુકસાન
તાજેતરના સંઘર્ષ દરમિયાન ઇરાકમાં અમેરિકન સેનાને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ઇરાનમાં જ 6 અમેરિકન સૈનિકોના મોત થયા હતા અને ડઝનબંધ જવાનો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલામાં ઇરબિલ અને એન અલ-અસદ જેવા યુએસ સૈન્ય મથકોના ગોદામો, રનવે અને હેંગરને ભારે નુકસાન થયું હતું. રિપોર્ટ અનુસાર અમેરિકાને અંદાજે 2.3 થી 2.8 અબજ ડોલરના હાઇ-ટેક સૈન્ય ઉપકરણોનું નુકસાન થયું છે.
સૈન્ય હટશે પણ વેપાર-રોકાણ ચાલુ રહેશે
પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે સેનાની વાપસીનો અર્થ એ નથી કે અમેરિકા ઇરાકથી સંપૂર્ણપણે અલગ થઈ રહ્યું છે. આગામી સમયમાં બંને દેશો વચ્ચે તેલ, ઉર્જા, રોકાણ અને વ્યાપાર જેવા ક્ષેત્રોમાં સહયોગ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. ઇરાકના પીએમએ પણ જણાવ્યું કે સૈનિકો ભલે બહાર નીકળી જાય, પરંતુ અમેરિકન કંપનીઓ ઇરાકના વિકાસ કાર્યોમાં સક્રિયપણે કામ કરતી રહેશે.
23 વર્ષ જૂના મિશનનો અંત
અમેરિકાનું આ ઇરાક મિશન વર્ષ 2003માં તત્કાલીન પ્રમુખ જોર્જ ડબ્લ્યુ. બુશના સમયમાં શરૂ થયું હતું. 2007માં ઇરાકમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 1.7 લાખથી વધુ પહોંચી ગઈ હતી. 2011માં ઓબામા પ્રશાસને સૈનિકો પાછા ખેંચ્યા હતા, પરંતુ 2014માં આઇએસઆઇએસ (ISIS) ના આતંક સામે લડવા 2500 સૈનિકો ફરી તૈનાત કરાયા હતા, જે હવે સંપૂર્ણપણે વિદાય લેશે.

