મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'બે વખત મારી હત્યાનો પ્રયાસ થયો', ટ્રમ્પ પર હુમલા બાદ એલન મસ્કનો દાવો

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે ચોંકાવનારો દાવ

'બે વખત મારી હત્યાનો પ્રયાસ થયો', ટ્રમ્પ પર હુમલા બાદ એલન મસ્કનો દાવો

 અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યા બાદ અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. એલન મસ્કે કહ્યું કે, આઠ મહિના પહેલા મારો બે વખત હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘આવનારો સમય ખતરનાક છે. મને બે લોકોએ જુદા જુદા સ્થળોએ મારવાનો પ્રયાસ કર્યો છે. જોકે હુમલાખોરને ટેક્સાસમાં ટેસ્લા હેડક્વાર્ટર ખાતે લગભગ 20 મિનિટમાં બંદુક સાથે પકડી લેવામાં આવ્યા હતા.’

મસ્કે ટ્રમ્પનું કર્યું સમર્થન

બીજી તરફ મસ્કે  અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આ હુમલા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સિક્રેટ સર્વિસ સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે, તેથી સિક્રેટ સર્વિસના વડાએ રાજીનામું આપી દેવું જોઈએ. 

ડોનાલ્ડ ટ્રમ્પ પર ભાષણ દરમિયાન ફાયરિંગ

સોશિયલ મીડિયા એક ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન ફાયરિંગ થતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પને માથાના ડાબા ભાગમાંથી લોહી નીકળી રહ્યું છે અને અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો તેમને તુરંત ત્યાંથી બહાર લઈ જઈ રહ્યા હતા. મીડિયાએ કહ્યું કે, ટ્રમ્પ સુરક્ષિત છે અને ઠીક છે. તેમની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગ કરાયું હોવા અંગે તપાસ કરવામાં આવી રહી છે અને અમેરિકન ગુપ્ત સેવા એજન્ટોએ હુમલાખોરને ઠાર કર્યો છે.

FBIએ હુમલાખોરની ઓળખ જાહેર કરી  

દરમિયાન ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની તપાસ શરૂ કરતા હુમલાખોરની ઓળખ કરી લીધી છે. હુમલાખોરની ઉંમર 20 વર્ષ છે અને પેન્સિલવેનિયાનો જ રહેવાસી છે. ટ્રમ્પની રેલી પણ ત્યાં જ યોજાઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદન આપીને જણાવ્યું કે, હુમલાખોરને ઘટનાસ્થળ પર જ જવાબી કાર્યવાહીમાં ઠાર કરી દેવામાં આવ્યો છે. ગોળીબારની આ ઘટનામાં હુમલાખોર સિવાય એક અન્ય વ્યક્તિનું પણ મોત થઈ ગયું છે અને બે અન્ય સામાન્ય નાગરિકને પણ ઈજા થઈ હતી. 

આ સમાચાર શેર કરો