બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર પ્રતિબંધની માંગ, ઇસ્લામી સંગઠને લગાવ્યા ભડકાઉ નારા
બાંગ્લાદેશના ચટગાંવમાં તાજેતરમાં ઇસ્લામિસ્ટ સંગઠન હિફાજત-એ-ઇસ્લામ દ્વારા ઇસ્કોન મંદિર પર પ્રતિબંધ મુકવાની માંગ

બાંગ્લાદેશના ચટગાંવમાં તાજેતરમાં ઇસ્લામિસ્ટ સંગઠન હિફાજત-એ-ઇસ્લામ દ્વારા ઇસ્કોન મંદિર પર પ્રતિબંધ મુકવાની માંગ બાદ બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશના લેખક તસલીમા નસરીને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી કે ચટગાંવમાં હિફાજત-એ-ઇસ્લામની રેલી દરમિયાન 'ઇસ્કોનવાળાઓને પકડો અને પછી હત્યા કરો' જેવા ભડકાઉ નારા લગાવવામાં આવ્યા હતા.
વિશ્વભરમાં ઇસ્કોન સંગઠન સક્રિય
તસલીમા નસરીને પોતાની પોસ્ટમાં ઇસ્કોનના સભ્યો સામે વધતા ખતરાનો ઉલ્લેખ કર્યો હતો. તસલીમા નસરીને કહ્યું, 'હિફાજત-એ-ઇસ્લામ આતંકવાદનું આહવાન કરી રહ્યું છે. તે ઇસ્કોનના સભ્યોને મારવા માંગે છે. શું ઇસ્કોન કોઇ આતંકવાદી સંગઠન છે જે તેને પ્રતિબંધિત કરવામાં આવે?' નસરીને એવો પણ ઉલ્લેખ કર્યો કે આ સંગઠન વિશ્વભરમાં સક્રિય છે અને ક્યાય પણ તેને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી.
ભાજપના નેતાએ પણ ચિંતા વ્યક્ત કરી
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે આ ઇસ્કોન પર સુનિયોજિત હુમલો છે. એક વીડિયો શેર કરતા ભાજપના નેતાએ દાવો કર્યો કે ચટગાંવમાં નીકળેલી રેલીમાં "આ બાંગ્લાદેશમાં ઇસ્કોનનું કોઇ સ્થાન નથી" જેવા નારા લગાવવામાં આવ્યા હતા. સુવેન્દુ અધિકારીએ ચેતવણી આપી કે જો કટ્ટરપંથી ઇસ્કોન પર હુમલાની યોજના બનાવે છે તો તે તેના પરિણામોને સંભાળી નહીં શકે.
આ પણ વાંચો: ટ્રમ્પની જીતથી બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? જાણો કેમ વધ્યું યુનુસ સરકારનું ટેન્શન
મીડિયા રિપોર્ટ અનુસાર, પાંચ નવેમ્બરે એક સ્થાનિક વેપારી ઉસ્માન અલીએ ફેસબુક પર ઇસ્કોનને 'આતંકવાદી સંગઠન' ગણાવ્યું હતું જે બાદ ચટગાંવમાં હજારી ગલી વિસ્તારમાં હિન્દૂ સમુદાયમાં રોષ ફેલાયો હતો. સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસ અને સેનાએ સંયુક્ત અભિયાન ચલાવતા 100 શંકાસ્પદોની અટકાયત કરી હતી.
ઇસ્કોન બાંગ્લાદેશના અધ્યક્ષ સત્ય રંજન બરોઇએ આ હુમલાની ટીકા કરી હતી, તેમને કહ્યું, 'ઇસ્કોન બાંગ્લાદેશ એક ગેર રાજકીય અને શાંતિપૂર્ણ ધાર્મિક સંગઠન છે જે સાંપ્રદાયિક સૌહાર્દ, ધાર્મિક સહિષ્ણુતા અને માનવ કલ્યાણ માટે સમર્પિત છે.' બરોઇએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી શાંતિપૂર્ણ સમાધાનની પણ અપીલ કરી હતી.








