AIનો ખતરનાક ઉપયોગ! હુથીઓએ Claudeની મદદથી મિસાઇલ-રોકેટ બનાવ્યા હોવાનો દાવો

યમનમાં ઈરાન સમર્થિત હુથી સંગઠન (Houthis) દ્વારા અત્યાધુનિક મિસાઇલ કાર્યક્રમોમાં Anthropicના AI મોડલ Claudeનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. ટેક કંપની Anthropicના તાજેતરના 154 પાનાના (Threat Intelligence Report)માં AIના દુરુપયોગના અનેક કિસ્સાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં સરકારો, ગુનાહિત સંગઠનો અને અન્ય જૂથો દ્વારા AIનો ઉપયોગ હથિયારોના વિકાસ, જાસૂસી, સાયબર હુમલા અને પ્રચાર માટે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, યમનમાં કાર્યરત એક હથિયાર એન્જિનિયરિંગ ટીમે Claude Codeનો ઉપયોગ મિસાઇલ અને રોકેટ કાર્યક્રમો માટે જરૂરી (Guidance, Navigation and Control - GNC) સોફ્ટવેર તૈયાર કરવામાં કર્યો હતો. Anthropicએ સંગઠનનું નામ સીધું જાહેર કર્યું નથી, પરંતુ રિપોર્ટમાં આપવામાં આવેલી વિગતો હુથીઓ તરફ ઈશારો કરતી હોવાનું માનવામાં આવે છે. હુથી સંગઠન પાસે અગાઉથી જ મિસાઇલ અને ડ્રોનનું મોટું શસ્ત્રાગાર હોવાનું જાણીતું છે.
ત્રણ અલગ મિસાઇલ કાર્યક્રમો પર કામ
Anthropicના જણાવ્યા પ્રમાણે, ઉત્તર યમનમાં આવેલી એક (Weapons Engineering Cell) ત્રણ અલગ-અલગ મિસાઇલ કાર્યક્રમો પર કામ કરી રહી હતી. તેમાં એક (Guided Rocket) પણ સામેલ હતો, જેમાં વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ ફોન-કક્ષાના (Phone-class Flight Computer)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોકેટમાં અંતિમ તબક્કામાં લક્ષ્ય તરફ માર્ગદર્શન આપવા માટે (Homing Guidance) સિસ્ટમ વિકસાવવામાં આવી રહી હતી.
બીજો કાર્યક્રમ બહુ-તબક્કાવાળી (Ballistic Missile) સાથે જોડાયેલો હતો, જેની જણાવાયેલી રેન્જ 2,000 કિલોમીટરથી વધુ હતી. ત્રીજા કાર્યક્રમને “R2000” તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. તેમાં વિવિધ પ્રકારની મિસાઇલ અને (Hypersonic Glide Vehicle) ધરાવતું વેરિઅન્ટ પણ સામેલ હતું.
Claudeનો ઉપયોગ કેવી રીતે થયો?
રિપોર્ટ મુજબ, Claude Codeનો ઉપયોગ ઉડતા વાહનને નિયંત્રિત અને સ્થિર રાખવા માટેના સોફ્ટવેરમાં કરવામાં આવ્યો હતો. AIની મદદથી (Open-source Autopilot)ને ફ્લાઇટ કમ્પ્યુટર સાથે જોડવા, (Control Software) અને (Position Estimation) તૈયાર કરવા, કંટ્રોલ સેટિંગ્સનું (Tuning), ફર્મવેર બિલ્ડ્સ અને (Flight Simulations) જેવી કામગીરી કરવામાં આવી હતી.
ઓપરેટરોએ એકસાથે Claudeના અનેક ઇન્સ્ટન્સ પણ ચલાવ્યા હતા. એક ઇન્સ્ટન્સનો ઉપયોગ કોડ લખવા માટે, બીજાનો સંશોધન માટે અને ત્રીજાનો તૈયાર થયેલા કામની સમીક્ષા કરવા માટે કરવામાં આવ્યો હતો.
નિષ્ફળ પરીક્ષણ બાદ AI પાસે ફરી મદદ લીધી
આ સમગ્ર ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે જૂથે એક (Guided Missile Test-fire) કર્યા બાદ, જે નિષ્ફળ ગયું હતું, થોડા જ કલાકોમાં Claudeનો ફરી ઉપયોગ કરીને સમસ્યાનું કારણ શોધવા અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો હતો.
Anthropicએ જણાવ્યું કે તેના (AI Safeguards)એ આવી ઘણી વિનંતીઓને અટકાવી હતી, પરંતુ તમામ પ્રયાસોને રોકી શકાયા નહોતા. જૂથે પોતાની વાસ્તવિક મંશા છુપાવવી, અલગ-અલગ સેશનમાં કામ વહેંચવું અને કોઈ એક સેશનમાં સંપૂર્ણ હેતુ ન જણાવવા જેવી પદ્ધતિઓ અપનાવી હતી.
Anthropicએ આંતરિક તપાસ દરમિયાન આ પ્રવૃત્તિ ઓળખી, સંબંધિત એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો અને માહિતી સરકારી તથા ખાનગી ક્ષેત્રના ભાગીદારો સાથે શેર કરી.
આ કેસ એકમાત્ર નથી. Anthropicએ પરંપરાગત હથિયારોના વિકાસ સાથે જોડાયેલા કુલ છ કિસ્સા જાહેર કર્યા છે, જેમાં ચીન અને રશિયા સાથે જોડાયેલા જૂથો દ્વારા મિસાઇલ, ડ્રોન, બોમ્બ અને અન્ય હથિયારો માટે AIના ઉપયોગના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં સાયબર હુમલા, સર્વેલન્સ અને પ્રચાર માટે AIના દુરુપયોગની પણ વિગતો આપવામાં આવી છે.
કંપનીએ ખાસ કરીને (Biological Weapons) સંબંધિત સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. Anthropicના જણાવ્યા અનુસાર, પાંચ કિસ્સાઓમાં વૈજ્ઞાનિકોએ એવા સંશોધનમાં AIનો ઉપયોગ કર્યો હતો જેનો ઉપયોગ ભવિષ્યમાં જૈવિક હથિયારોના વિકાસમાં થઈ શકે તેવી શક્યતા હતી. કંપનીએ કહ્યું કે આ કિસ્સાઓ AIના દુરુપયોગની ભવિષ્યની દિશા અને સુરક્ષા વ્યવસ્થામાં હજુ રહેલી ખામીઓ અંગે ગંભીર ચેતવણી આપે છે.

