ઈરાનના પરમાણુ કેન્દ્રો પર મોટો સાયબર હુમલો! સરકારની મહત્ત્વપૂર્ણ માહિતીની થઈ ચોરી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે શનિવારે ઈરાન પર મોટો સાઈબર હુમલો થયો. રિપોર્ટ્સ મુ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલી લડાઈ વચ્ચે શનિવારે ઈરાન પર મોટો સાઈબર હુમલો થયો. રિપોર્ટ્સ મુજબ ઈરાનની સરકાર અને પરમાણુ કેન્દ્રો પરના આ સાયબર એટેકમાં ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી ચોરાઈ છે. આ હુમલામાં સરકારની ત્રણેય શાખાઓને નિશાન બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે ઈરાન પર ઈઝરાયેલનો આ જવાબી હુમલાનું પહેલું પગલું છે. આ સાયબર હુમલો ક્યારે થયો અને કોણે કર્યો તે અંગે કોઈ માહિતી નથી.
નોંધનીય છે કે 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો હતો. ત્યારથી ઇઝરાયલ ગુસ્સે ભરાયેલું છે. તેણે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયેલના વડાપ્રધાને પણ આ સંબંધમાં એક બેઠક યોજી હતી, જેમાં ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવવા મુદ્દે ચર્ચા કરી હતી.
ઈરાન ઈન્ટરનેશનલે ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ઓફ સાયબર સિક્યુરિટીના ભૂતપૂર્વ સેક્રેટરી ફિરોઝાબાદીને ટાંકીને જણાવ્યું હતું કે, ઈરાનની સરકારની ત્રણેય શાખાઓ - ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી શાખા પર મોટો સાયબર હુમલામાં મોટા પાયે ડેટા ચોરી થયો છે. આ હુમલામાં ન્યુક્લિયર બેઝની સાથે ઈંધણ વિતરણ, મ્યુનિસિપલ નેટવર્ક, ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક, પોર્ટ અને અન્ય નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દેશભરના વિવિધ વિસ્તારોની લાંબી યાદીનો એક ભાગ છે કે જેના પર હુમલા થયા છે.
આ સાયબર હુમલા એવા સમયે થયા છે જ્યારે અમેરિકાએ ઈઝરાયેલ પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ સેક્ટર પર લાદવામાં આવેલા આ પ્રતિબંધો ઈઝરાયેલ પર ઈરાની મિસાઈલ હુમલા બાદ લગાવવામાં આવ્યા છે. અમેરિકાનું આ પગલું ઈરાનને મિસાઈલ પ્રોગ્રામ માટે સરકારી મદદ આપવાથી રોકે છે.
આ પહેલા ઈરાને કહ્યું હતું કે જો તેનો કટ્ટર દુશ્મન ઈઝરાયેલ હુમલો કરશે તો તેની સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઇસ્લામિક રિપબ્લિકે તેના બે નજીકના સાથીઓ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયા અને હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહ તેમજ એક ઈરાની જનરલની હત્યાના બદલામાં 1 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ પર મિસાઇલો ચલાવી હતી.






