VIDEO: નેપાળમાં કાવડયાત્રા પર હુમલા બાદ કોમી હિંસા ભડકી, 3ના મોત-અનેક લોકો ઈજાગ્રસ્ત
નેપાળના સુનસરી જિલ્લાના કપ્તાનગંજ વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે થયેલી હિંસક ઝડપ અન્ય વિસ્તારોમાં ફેલાતી અટકાવવા માટે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. પરિસ્થિતિ ગંભીર બનતાં સિરાહામાં ગુરુવારે બપોરે 2 વાગ્યાથી અનિશ્ચિત મુદતનો કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુનસરી અને સિરાહા બંને જિલ્લાઓ ભારતના બિહાર રાજ્યની સરહદને અડીને આવેલા છે. સિરાહાના મુખ્ય જિલ્લા અધિકારી સુરેન્દ્ર પૌડેલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ આદેશ આપ્યો છે.
કેવી રીતે શરૂ થયો આ વિવાદ?
ઘટનાની વિગત મુજબ, 26 જુલાઈના રોજ એક સમુદાયના લોકો પવિત્ર જળ લઈને યાત્રા કાઢી રહ્યા હતા. યાત્રા દરમિયાન મોટેથી વાગતા ડીજે સંગીત સામે અન્ય સમુદાયના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. શરૂઆતમાં થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક ઘર્ષણમાં પરિણમી હતી. બંને પક્ષોમાંથી મોટા ટોળા લાકડીઓ, પથ્થરો, વાંસ અને લોખંડના સળિયા જેવા શસ્ત્રો સાથે સામસામે આવી ગયા હતા. નેપાળના સુનસરી જિલ્લામાંથી શરૂ થયેલી કોમી હિંસા હવે દેશના અનેક શહેરોમાં ફેલાઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી દેશના વિવિધ ભાગોમાં હિંસા, આગજની, તોડફોડ, પથરાવ અને પોલીસ સાથેની અસંખ્ય ઝડપોને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સ્થાનિક તંત્રે અનેક જિલ્લાઓમાં કરફ્યુ લાગુ કરવો પડ્યો છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે નેપાળી સેનાએ હેલિકોપ્ટર સાથે મોરચો સંભાળ્યો છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અસંખ્ય વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિની શાંતિની અપીલ: નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે આ પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને દેશવાસીઓને સદીઓ જૂનો સામાજિક-ધાર્મિક સદ્ભાવ, ભાઈચારો અને રાષ્ટ્રીય એકતા જાળવી રાખવા વિનંતી કરી છે. વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર વિપક્ષના નિશાના પર આવી છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે શરૂઆતમાં યોગ્ય પગલાં ન ભર્યા અને માત્ર બેઠકો સુધી સીમિત રહી, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ.
વિવાદનું મુખ્ય કારણ: કાંવડ યાત્રા પર હુમલો
સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દેવાનગંજમાં 'બોલબમ યાત્રા' (કાંવડ યાત્રા) દરમિયાન હિન્દુ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો વચ્ચે વિવાદ થયો હતો. મંદિરની સાર્વજનિક જમીન પર મોહર્રમ નિમિત્તે લગાવવામાં આવેલો ઝંડો હટાવવા અંગે અગાઉથી જ તણાવ ચાલતો હતો. રવિવારે રાત્રે જ્યારે કાંવડ યાત્રા શરૂ થઈ ત્યારે અચાનક શ્રદ્ધાળુઓ પર હુમલો કરાયો, જેણે બાદમાં ભયાનક હિંસાનું રૂપ ધારણ કરી લીધું.
અનેક શહેરોમાં કરફ્યુ અને સેનાનો ફ્લેગ માર્ચ
સુનસરીમાં શરૂ થયેલી હિંસા ઈનરવા, જનકપુર, સિરાહા, ગોલબજાર અને લહાન જેવા અનેક શહેરોમાં ફેલાઈ ગઈ. તંત્રે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આ તમામ શહેરોમાં કરફ્યુ લાગુ કરી દીધો છે. સુરક્ષા માટે પોલીસ, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળી સેનાને તૈનાત કરવામાં આવી છે. સેનાએ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી છે અને હેલિકોપ્ટર દ્વારા આકાશી નિરીક્ષણ (હવાઈ દેખરેખ) રાખવામાં આવી રહ્યું છે.
જનજીવન અને અર્થતંત્ર પર માઠી અસર
છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી આ અશાંતિના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બજારો સંપૂર્ણપણે બંધ છે, સાર્વજનિક વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. હજારો લોકો ભયના ઓછાયા હેઠળ ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે.

