VIDEO: ANDARNI VAAT / નેપાળમાં શાકભાજી અને શેરડી પકાવતા ખેડૂતોનું આંદોલન
નેપાળમાં શાકભાજી પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોને શાકભાજીના પુરતા ભાવ ન મળતા રાજધાની કાઠમંડુમાં વિરોધ કર્યો હતો. કાઠમંડુના રસ્તા પર મોટી સંખ્યામાં ટામેટાં અને અન્ય શાકભાજી ફેંકીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહેરના કાલિમાટી અને માઈતીઘર વિસ્તારમાં રસ્તા પર ખેડૂતો એકઠા થયા હતા. તેઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓની માગ હતી કે ખેડૂતો ખર્ચ કરીને શાકભાજી વાવે છે પણ ખર્ચ જેટલો આવક પણ ખેડૂતોને થતી નથી. પેદાશના ભાવ મળતા ન હોવાથી ખેતી માથે પડી રહી છે. ખેડૂતોઓ આરોપ લગાવ્યો હતો કે વચેટિયાઓ મનમાની કરીને મલાઇ ખાઇ રહ્યા છે. સરકાર ખેડૂતોને આ ચૂંગલમાંથી બહાર કાઢે. આ સાથે ખેડૂતોએ માગ કરી હતી નેપાળમાં મોટા ભાગની શાકભાજી ભારત તથા અન્ય દેશોમાંથી આવે છે. આ શાકભાજી સસ્તી હોવાથી સ્થાનિક ઉત્પાદનોની કિંમતો તળિયે બેસી ગઈ છે. આ કારણે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ જેટલો પણ ભાવ મળતો નથી. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે તમામ સ્થાનિક કૃષિ પેદાશો માટે 'ન્યૂનતમ ટેકાના ભાવ' નક્કી કરે, કૃષિ લોન માફ કરવામાં આવે અથવા વ્યાજમાં રાહત આપવામાં આવે. વિદેશથી આવતા શાકભાજી પર આયાત ડ્યુટી વધારી સ્થાનિક બજારને સુરક્ષિત કરવામાં આવે. ખેડૂતોનો વિરોધ કાઠમંડુ સાથે નેપાળના મુખ્ય કૃષિ ક્ષેત્ર ગણાતા તરાઈ અને સરહદી વિસ્તારો જેવા કે મહોત્તરી, બારા, રૌતહત અને પરાસી જિલ્લાઓમાં પણ પહોચ્યું હતું. શેરડી પકવતા ખેડૂતોએ પણ ખાંડ મિલોની બહાર ટાયરો સળગાવીને અને રસ્તા રોકો આંદોલન કરીને સરકાર પાસે બાકી નીકળતી સબસિડીની ચૂકવણીની માગ કરી હતી. નેપાળના ખેડૂત સંગઠનોએ ચીમકી આપી હતી કે જો સરકાર તેમની માંગણીઓ નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવી સમગ્ર દેશમાં સપ્લાય ચેઈન રોકી દેવામાં આવશે. હવે નેપાળ સરકાર ખેડૂતોના રોષને કેવી રીતે ઠારે છે તેના પર નજર છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

