Video: ઈરાન મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહૂ બાખડ્યા હોવાનો દાવો, ફોન કોલ લીક, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ

પશ્ચિમ એશિયાના રાજકારણમાં અત્યારે મોટી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. દરેક મોરચે એકબીજાના મજબૂત સમર્થક ગણાતા અમેરિકા અને ઈઝરાયલના ટોચના નેતાઓ વચ્ચે તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી એક ફોન વાતચીતની વિગતો લીક થઈ છે, જેમાં બંને નેતાઓ વચ્ચે ઈરાન મુદ્દે ભારે બબાલ થઈ હોવાનો દાવો કરાયો છે. જોકે, નેતન્યાહૂના કાર્યાલયે આ અહેવાલોને સદંતર ફગાવી દીધા છે. ઈઝરાયલી મીડિયા વાયનેટના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ઈરાન સામેની આગામી રણનીતિને લઈને બંને નેતાઓ વચ્ચે એટલી ઉગ્ર દલીલો અને બૂમાબૂમ થઈ હતી કે સૂત્રોએ તેને શાઉટિંગ મેચ ફ્રોમ હેલ ગણાવી હતી. નેતન્યાહૂના સતત દબાણથી ટ્રમ્પ નારાજ હતા, જ્યારે નેતન્યાહૂ પોતાની વાત પર અડગ રહ્યા હતા. બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે આ સમાચારને સંપૂર્ણ બકવાસ ગણાવીને નકારી કાઢ્યા છે, પરંતુ આ લીક થયેલી વિગતોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે.




