એપસ્ટીન ફાઈલ્સમાં ભારતીયો વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કર્યાનો દાવો, નોર્વેના ડિપ્લોમેટની નફરતભરી માનસિકતા આવી સામે

અમેરિકાના ન્યાય વિભાગે તાજેતરમાં દોષિત જાતીય અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલી લગભગ 30 લાખ પાનાની ફાઇલો જાહેર કરી છે. આ ફાઇલોમાં એક એવો ઇમેઇલ સામે આવ્યો છે, જે કથિત રીતે નોર્વેના ડિપ્લોમેટ (રાજદ્વારી) ટેરજે રોડ-લાર્સન દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં ભારતીયો વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
ફાઇલ મુજબ, જેફ્રી એપસ્ટીને એક ભારતીય રાજકારણીનો ઇમેઇલ ટેરજે રોડ-લાર્સનને ફોરવર્ડ કર્યો હતો. તેના જવાબમાં 25 ડિસેમ્બર, 2015ના રોજ મોકલેલા ઇમેઇલમાં રોડ-લાર્સને લખ્યું હતું કે, "શું તમે પેલી કહેવત સાંભળી છે: જ્યારે તમને એક ભારતીય અને એક સાપ મળે, ત્યારે પહેલા ભારતીયને મારો!"
કોણ છે Terje Rod-Larsen?
ટેરજે રોડ-લાર્સન નોર્વેના વરિષ્ઠ ડિપ્લોમેટ રહી ચૂક્યા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં પૂર્વ રાજદૂત તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ સિવાય, તેઓ પ્રતિષ્ઠિત 'ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટ'ના પ્રમુખ પણ હતા, પરંતુ વર્ષ 2020માં જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સોશિયલ મીડિયા પર આક્રોશ
એપસ્ટીન ફાઇલ્સમાં આ કથિત ઇમેઇલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે નારાજગી જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, "આ ખૂબ જ ખરાબ બાબત છે," જ્યારે અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપી કે, "આ લોકો તમામ ભારતીયોને નફરત કરે છે."

