'ભારતમાં ચૂંટણી છે, અઘોષિત કર્ફ્યુ લાદવામાં આવી શકે છે' ; કેનેડાએ ભારતમાં વસતાં તેના નાગરિકો માટે જારી કરી એડવાઈઝરી
ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. કેનેડાનું કહ

ભારતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. કેનેડાનું કહેવું છે કે ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ શકે છે. કેનેડાએ ભારતમાં ‘અઘોષિત કર્ફ્યુ’નો ભય પણ વ્યક્ત કર્યો છે. ખાસ વાત એ છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની આશંકા ઉભી થવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે.
કેનેડા દ્વારા બુધવારે જારી કરાયેલ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રહેતા લોકોએ સાવધાની રાખવી જોઈએ. આ સિવાય સંસદીય ચૂંટણીને લઈને એડવાઈઝરીમાં એક ભાગ પણ સામેલ કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન 2024 સુધી થવાની છે. ચૂંટણી પહેલા, ચૂંટણી દરમિયાન અને પછી પણ પ્રદર્શન થઈ શકે છે.
કેનેડાએ તેના નાગરિકોને ચેતવણી આપી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે અને જાહેર પરિવહનને પણ અસર થઈ શકે છે. કેનેડાનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન ‘સૂચના વિના કર્ફ્યુ પણ લાદી શકાય છે.’ સાથે કેનેડાએ પોતાની એડ્વાઇઝરીમાં એવી પણ સલાહ આપી છે કે, મુસાફરી દરમિયાન જ્યાં મોટી માત્રામાં લોકો એકત્ર થઈ રહ્યાં હોય અથવા પ્રદર્શન થઈ રહ્યાં હોય, ત્યથી દૂર રહેવા સલાહ આપી છે.
આ સિવાય કેનેડા દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં ઘણી જૂની વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં જારી કરી હતી. તે દરમિયાન કેનેડાએ કહ્યું હતું કે, ‘કેનેડા અને ભારત વચ્ચેના વિકાસના સંદર્ભમાં પરંપરાગત મીડિયા અને સોશિયલ મીડિયામાં કેનેડા વિરુદ્ધ નકારાત્મક લાગણીઓ અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યાં કેનેડા વિરોધી પ્રદર્શન થઈ શકે છે, જેમાં કેનેડિયનોએ ઉત્પીડનનો ભોગ બનવું પડી શકે છે.
ત્યારે કહેવામાં આવ્યું હતું કે, ‘દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં, તમારે અજાણ્યા લોકો સાથે લો પ્રોફાઇલ રહેવું જોઈએ. અને તમારી વ્યક્તિગત માહિતી શેર કરવી જોઈએ નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. તમારે હંમેશા કોઈની સાથે મુસાફરી કરવી જોઈએ અને તમારા મિત્રો અથવા પરિવારને સફર વિશે જણાવવું જોઈએ.
એડવાઈઝરીમાં બેંગલુરુ, ચંદીગઢ અને મુંબઈનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતે કેનેડા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, ત્યારબાદ 41 રાજદ્વારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા.








