VIDEO: ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો: યુએસ F-૧ વિઝામાં ૬૨%નો જંગી ઘટાડો, ટ્રમ્પ સરકારના કડક નિયમો
USA F-1 VISA News : અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને જારી કરવામાં આવતા F-1 સ્ટુડન્ટ વિઝામાં ભારે કાપ મૂક્યો છે. 'સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝ' (CIS) ના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વીતેલા વર્ષમાં અમેરિકન પ્રશાસન દ્વારા જારી કરાયેલા F-1 વિઝાની સંખ્યામાં ભૂતકાળની સરખામણીએ જંગી ઘટાડો નોંધાયો છે.
વિઝા મંજૂરીમાં 62 ટકા સુધીનો તીવ્ર ઘટાડો
રિપોર્ટના આંકડા અનુસાર, વર્ષ 2025 માં મે થી ઓગસ્ટ મહિના વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને F-1 વિઝા આપવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2024 માં આ જ સમયગાળા દરમિયાન 58,694 ભારતીયોને વિઝા મળ્યા હતા. આમ, ભારતીય વિદ્યાર્થીઓના વિઝામાં સીધો 62% નો મોટો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ચીની વિદ્યાર્થીઓની વાત કરીએ તો મે-ઓગસ્ટ 2025 દરમિયાન તેમને 40,034 વિઝા આપવામાં આવ્યા હતા, જે વર્ષ 2024 ના 61,075 ની સરખામણીએ 34% નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, વર્ષ 2024-25 ના શૈક્ષણિક સત્રમાં યુએસની યુનિવર્સિટીઓમાં કુલ 11,77,766 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જેમાંથી ભારત (3,63,019) અને ચીન (2,65,919) ના વિદ્યાર્થીઓ મળીને કુલ ટકાવારીનો 53% હિસ્સો ધરાવતા હતા.
OPT પ્રોગ્રામ અને અમેરિકન જોબ માર્કેટ પર અસર
ભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) યોજના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં જ રહીને કામ કરવાની મંજૂરી મળે છે. F-1 વિઝામાં કાપ આવવાથી આ યોજના પણ સીધી રીતે પ્રભાવિત થઈ છે. વર્ષ 2024-25 માં 2,94,253 વિદેશી વિદ્યાર્થીઓ OPT હેઠળ કામ કરી રહ્યા હતા, જેમાં 1,43,740 ભારતીયો અને 61,981 ચીની નાગરિકો હતા. CIS ના મતે, જો ભારત અને ચીનથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે, તો અમેરિકન શ્રમ બજાર (Labor Market) ને મળતા વિદેશી પ્રોફેશનલ્સની સંખ્યામાં પણ મોટો ઘટાડો થશે.
OPT માટે $100,000 ની મોટી ફી વસૂલવાની તૈયારી!
મીડિયા અહેવાલો મુજબ, ટ્રમ્પ પ્રશાસન એક એવા મોટા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જે હેઠળ ગ્રેજ્યુએશન પછી જો કોઈ વિદ્યાર્થી અમેરિકામાં રહીને નોકરી કરવા માંગતો હોય તો તેણે સરકારને $100,000 (અંદાજે 95 લાખ રૂપિયા) ની જાડી ફી ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત, નવા વિઝા નિયમો લાવવાની પણ તૈયારી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થયા પછી લાંબા સમય સુધી યુએસમાં રોકાઈ શકશે નહીં.
હાલની વ્યવસ્થા અનુસાર જ્યાં સુધી અભ્યાસ ચાલુ રહે ત્યાં સુધી વિઝા લંબાવી શકાતો હતો, પરંતુ હવે આ પ્રોસેસ બંધ કરીને કડક મર્યાદાઓ લાદવામાં આવી રહી છે.

